30 January, 2026 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૉલ સ્ટર્લિંગ, રોહિત શર્મા
આયરલૅન્ડના કૅપ્ટન પૉલ સ્ટર્લિંગે મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ મૅચ રમવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન અનુભવી બૅટર રોહિત શર્માના ૧૫૯ મૅચના રેકૉર્ડને તેણે ગઈ કાલે તોડ્યો હતો. યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ સામેની સિરીઝની પહેલી મૅચમાં તેણે ૧૬૦ મૅચ રમવાનો રેકૉર્ડ કર્યો હતો. રોહિત શર્માના T20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયરમેન્ટને કારણે તેને આ રેકૉર્ડ તોડવાની તક મળી હતી.
મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં પૉલ સ્ટર્લિંગે ૧૫૭ ઇનિંગ્સમાં ૧ સદી અને ૨૪ ફિફ્ટીના આધારે ૩૮૭૪ રન કર્યા છે. હાઇએસ્ટ રનસ્કોરરના લિસ્ટમાં બાબર આઝમ (૪૪૫૩ રન), રોહિત શર્મા (૪૨૩૧ રન) અને વિરાટ કોહલી (૪૧૮૮ રન) બાદ ચોથા ક્રમે છે. ટેસ્ટ-ફૉર્મેટમાં ૨૦૦ મૅચ અને વન-ડેમાં ૪૬૩ મૅચ રમવાનો રેકૉર્ડ સચિન તેન્ડુલકરના નામે છે.