22 November, 2025 08:18 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
ભૂકંપના ઝટકાને કારણે બન્ને ટીમના પ્લેયર્સ અને ફૅન્સ ચોંકી ગયા હતા
બંગલાદેશ સામેની બીજી ટેસ્ટ-મૅચમાં આયરલૅન્ડે શાનદાર કમબૅક કર્યું છે. બીજા દિવસે ૯૮ રનમાં પાંચ વિકેટ ગુમાવનાર મહેમાન ટીમે પહેલી ઇનિંગ્સમાં ૮૮.૩ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૨૬૫ રન કર્યા હતા. ત્રીજા દિવસના અંતે બંગલાદેશે ૩૭ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ૧૫૭ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ૪૭૬ રન કર્યા હોવાથી યજમાન ટીમ પાસે હજી ૩૬૭ રનની લીડ બચી છે.
ભૂકંપને કારણે ત્રણ મિનિટ માટે મૅચ અટકી
ત્રીજા દિવસની રમતના પહેલા સેશનમાં સ્થાનિક સમય અનુસાર ૧૦.૩૮ વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. એ સમયે મેદાન પર પ્લેયર્સ નેક્સ્ટ બૉલની તૈયારી કરી રહ્યા હતા. મેદાન પરના પ્લેયર્સ અમ્પાયર સાથે પિચ પર ભેગા થયા હતા જ્યારે ડ્રેસિંગ રૂમના પ્લેયર્સ બાઉન્ડરી લાઇન પાસે આવી ગયા હતા. ભૂકંપને કારણે ત્રણ મિનિટ માટે મૅચ અટકાવવી પડી હતી. કેટલાક ક્રિકેટ-ફૅન્સે તો સ્ટેડિયમ છોડીને સલામત સ્થળે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.