29 November, 2026 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિંકુ સિંહ અને ઇરફાન પઠાણ
ભારતના ભૂતપૂર્વ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણનું માનવું છે કે IPL 2027 માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના નવા કૅપ્ટન તરીકે રિંકુ સિંહની નિમણૂક થવાની પૂરી શક્યતા છે. ઇરફાન પઠાણે ઉમેર્યું હતું કે ત્રણ વખતની ચૅમ્પિયન ટીમ પાસે અત્યારે સ્ક્વૉડમાં નેતૃત્વના બહુ ઓછા વિકલ્પો ઉપલબ્ધ છે. અજિંક્ય રહાણેએ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ KKRમાં કૅપ્ટનનું પદ ખાલી પડ્યું છે. આગામી ૧૬ ડિસેમ્બરે ગોવામાં યોજાનારા ઑક્શનમાં KKR કૅપ્ટન તરીકે વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન શાઇ હોપને ખરીદી શકે એવો વિકલ્પ પણ ઇરફાન પઠાણે સૂચવ્યો હતો.
જિયોસ્ટાર સાથે વાત કરતાં ઇરફાન પઠાણે કહ્યું હતું કે ‘કોલકાતા નાઇટ રાઇડર્સના કૅપ્ટન તરીકે રિંકુ સિંહની નિમણૂક કરવા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને હાલમાં તેમની સ્ક્વૉડમાં નેતૃત્વની દૃષ્ટિએ બહુ ઓછા વિકલ્પો છે. આ સ્થિતિમાં રિંકુ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે. તેઓ ઑક્શનમાંથી પણ કોઈ કૅપ્ટન ખરીદવાનું વિચારી શકે છે અને જો એવું બને તો માત્ર એક જ ખેલાડીનું નામ ધ્યાનમાં આવે છે અને એ છે શાઈ હોપ, જેણે તાજેતરમાં જ ભારતમાં સિરીઝ રમીને ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. જો તેઓ ઇચ્છે તો ચોક્કસપણે એ વિકલ્પ પર પણ વિચાર કરી શકે છે, પરંતુ તેમના ટીમ મૅનેજમેન્ટની કામ કરવાની રીત જોતાં મને લાગે છે કે રિંકુ સિંહ જ કોલકાતા નાઇટ રાઇડર્સનો નવો કૅપ્ટન બનશે.’