18 July, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન રોહિત શર્મા સાથે વાતચીત કરી રહેલો સિતાંશુ કોટક.
ભારતના ૩૯ વર્ષના સ્ટાર બૅટર રોહિત શર્માની ઇન્ટરનૅશનલ ક્રિકેટ કરીઅરનો અંત થવા જઈ રહ્યો છે એ વાતોએ ક્રિકેટજગતમાં તરખાટ મચાવી દીધો છે. રોહિત શર્માને ભારતીય ટીમ મૅનેજમેન્ટે અને સિલેક્ટર્સે જણાવી દીધું છે કે તે હવે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સ્ક્વૉડના પ્લાનમાં ફિટ નથી થતો. વર્લ્ડ કપ પહેલાં ઓપનર તરીકે યશસ્વી જાયસવાલને વધુ તક આપવામાં આવશે.
બીજી વન-ડે મૅચમાં રોહિત શર્માએ ૪૭ બૉલમાં ૨૬ રન કર્યા હતા. પ્રેસ કૉન્ફરન્સમાં બૅટિંગ કોચ સિતાંશુ કોટકને પૂછવામાં આવ્યું હતું કે ‘શું ટીમ મૅનેજમેન્ટ દ્વારા લૉર્ડ્સમાં રવિવારની અંતિમ મૅચ પછી ટીમમાં રોહિતનું સ્થાન બને છે કે નહીં એના પર વિચાર કરવામાં આવશે?’
સિતાંશુ કોટક કહે છે, ‘મને નથી લાગતું કે રોહિત જેવા મોટા ખેલાડી પર કોઈ પ્રેશર હોઈ શકે. તેણે છેલ્લી બે મૅચમાં રન બનાવ્યા નથી. મને નથી લાગતું કે એનાથી કોઈ ફરક પડે છે. ઘણા ખેલાડીઓ પોતાનો લય મેળવવામાં સંઘર્ષ કરતા હોય છે. લૉર્ડ્સમાં તમને રોહિત શર્માની બિલકુલ અલગ ઇનિંગ્સ જોવા મળશે.’
નિવૃત્તિની અટકળો વચ્ચે મૅચ જોવા રોહિત શર્માનાં મમ્મી-પપ્પા લંડન પહોંચ્યાં
અહેવાલો અનુસાર રોહિત શર્માનાં મમ્મી-પપ્પા ભારતની ત્રીજી વન-ડે મૅચ જોવા લંડન પહોંચ્યાં છે. આ અહેવાલને કારણે રોહિત શર્મા છેલ્લી વખત ભારત માટે રમશે એવી અટકળોને વધુ વેગ મળી રહ્યો છે. આ વર્ષે રોહિત શર્માએ વન-ડેમાં ભારત માટે અનુક્રમે ૨૬, ૨૪, ૧૧, ૧૬, ૪૮, ૭૯, ૧૧ અને ૨૬ રનની ઇનિંગ્સ રમી છે.