રામાયણથી પ્રેરિત છે વારાણસી, નહીં બને કોઈ સીક્વલ

06 February, 2026 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના કેન્દ્રમાં પિતા-પુત્રનો સંબંધ છે, જે ભગવાન રામ અને રાજા દશરથથી પ્રેરિત છે

આ ફિલ્મ ૨૦૨૭ની ૭ એપ્રિલે રિલીઝ થશે

એસ. એસ. રાજામૌલીની ‘વારાણસી’માં મહેશબાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન જેવાં મોટાં સ્ટાર્સ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ ૨૦૨૭ની ૭ એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મ વિશે વાત કરતાં રાજામૌલીએ સ્પષ્ટ કર્યું છે કે ‘વારાણસી’ એક સ્ટૅન્ડઅલોન ફિલ્મ છે અને એની કોઈ સીક્વલ નહીં બને. રાજામૌલીએ જણાવ્યું છે કે ફિલ્મના કેન્દ્રમાં પિતા-પુત્રનો સંબંધ છે જે ભગવાન રામ અને રાજા દશરથથી પ્રેરિત છે.

‘વારાણસી’માં મહેશબાબુનું પાત્ર ‘રુદ્ર’ ભગવાન શ્રી રામના અવતારમાં જોવા મળશે. આ ફિલ્મના પોતાના પાત્ર વિશે વાત કરતાં મહેશબાબુએ કહ્યું હતું કે ‘ ફિલ્મ ‘વારાણસી’ ભારતીય મહાકાવ્ય રામાયણના એક અધ્યાયથી પ્રેરિત છે. ફિલ્મમાં હું ભગવાન રામનો રોલ ભજવી રહ્યો છું. એ માટે ખાસ પોસ્ચરની જરૂર હતી. એ ખાસ ભાગ માટે મેં અલગ ટ્રેઇનિંગ લીધી હતી. રાજામૌલીસરે મને કેટલીક યુરોપિયન મૂર્તિઓ આપી હતી, જેને મેં મારા સ્ટડીરૂમમાં રાખી છે. હું મારા સ્માર્ટફોનમાં પણ એ તસવીરો રાખતો હતો જેથી જ્યારે પણ સમય મળે ત્યારે હું એ પોસ્ચરની પ્રૅક્ટિસ કરી શકું. ફિલ્મ માટે મેં કેરલાની પ્રાચીન માર્શલ આર્ટ કલારીપયાટ્ટુની ટ્રેઇનિંગ પણ લીધી હતી. મેં ભગવાન રામની જેમ દોડવા માટે આ ટ્રેઇનિંગ લીધી હતી. ફાઇનલ કટમાં એના માત્ર બે શૉટ્સ હશે, પરંતુ એ માટે ૬ મહિનાની મહેનત સંપૂર્ણપણે યોગ્ય હતી. આનાથી મારી ચાલ બદલાઈ ગઈ, ઊભા રહેવાની રીત બદલાઈ ગઈ  અને બધું જ બદલાઈ ગયું.’

varanasi ramayan upcoming movie ss rajamouli mahesh babu priyanka chopra entertainment news bollywood bollywood news