08 September, 2026 07:25 AM IST | chennai | Gujarati Mid-day Correspondent
કુમાર કુશાગ્રએ વાયલિન વગાડીને છઠ્ઠી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ સેન્ચુરી ફટકારી.
ચેપૉક સ્ટેડિયમમાં આયોજિત દુલીપ ટ્રોફી 2026-’27ની ફાઇનલ મૅચમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ઈસ્ટ ઝોને હરીફ સાઉથ ઝોન સામે કમાન્ડિંગ સ્થિતિ મેળવી લીધી છે. ગઈ કાલે બીજા દિવસના અંતે ઈસ્ટ ઝોને કૅપ્ટન ઈશાન કિશનના ૨૭૦ રન અને કુમાર કુશાગ્રના ૧૦૧ રનની મદદથી પહેલી ઇનિંગ્સમાં ૧૬૩ ઓવરની રમત રમીને
૭૦૮-૧૦નો સ્કોર ખડકી દીધો હતો.
ઈસ્ટ ઝોને ૮૦મી ઓવરમાં ૩૮૫/૪ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. કૅપ્ટન ઈશાન કિશને ૧૧૧ રનના સ્કોરને ૨૭૦ રન સુધી પહોંચાડ્યો હતો. તેણે ૩૩૪ બૉલમાં ૮૦.૮૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩૦ ફોર અને ૭ સિક્સ ફટકારવાની સાથે ઇનિંગ્સની અંતિમ ઓવરમાં વિકેટ ગુમાવી હતી.
ગરમીને કારણે ઈશાન કિશનને વારંવાર ખેંચાણનો સામનો કરવો પડ્યો, પરંતુ જ્યાં સુધી તે રમવાનું ચાલુ રાખી શકે ત્યાં સુધી તે લડતો રહ્યો. બીજા સેશનના અંતમાં તેણે તેના ૨૫૦ રન પૂરા કર્યા પછી તરત જ રિટાયર્ડ હર્ટ થઈને થોડા સમય માટે મેદાન છોડી દીધું. સાતમી વિકેટ પડ્યા પછી તે ક્રીઝ પર પાછો ફર્યો હતો.
ઈશાન કિશને પાંચમી વિકેટ માટે કુમાર કુશાગ્ર સાથે ૨૯૦ બૉલમાં ૨૩૦ રનની અને છઠ્ઠી વિકેટ માટે અનુકૂલ રૉય સાથે ૧૮૧ બૉલમાં ૧૪૦ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. કુમાર કુશાગ્રે ૧૩૨ બૉલમાં ૮ ફોર, પાંચ સિક્સની મદદથી ૧૦૧ રન અને અનુકૂલ રૉયે ૯૮ બૉલમાં ૪ ફોરની મદદથી ૪૫ રનનું યોગદાન આપ્યું હતું.
આઠમી વિકેટ માટે મોહમ્મદ શમી અને મોહમ્મદ કુરેશીએ ૯૮ બૉલમાં ૫૪ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૭૦૦ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. મોહમ્મદ શમીએ ૫૧ બૉલમાં ૨૮ રન અને મોહમ્મદ કુરેશીએ ૯૧ બૉલમાં ૪૦ રન કર્યા હતા.
તિલક વર્માની સાઉથ ઝોન ટીમ માટે સ્પિનર ત્રિપુરણ વિજયે ૪૨ ઓવરમાં ૧૮૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર વી. મિલિંદે ૨૧ ઓવરમાં ૨૨ રન અને સ્પિનર શ્રેયસ ગોપાલે ૪૨ ઓવરમાં ૧૬૫ રન આપીને ૨-૨ વિકેટ લીધી હતી. શૈખ રશીદે ૧૩ ઓવરમાં ૪૬ રન આપીને એક સફળતા મેળવી હતી. મુખ્ય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પચીસ ઓવરમાં ૧૪૦ રન આપીને વિકેટલેસ રહ્યો ત્યારે પાર્ટ-ટાઇમ બોલર્સને પણ મેદાન પર ઉતારવા પડ્યા હતા.
દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં દસમી વખત એક ઇનિંગ્સમાં ૭૦૦ પ્લસનો સ્કોર નોંધાયો છે. છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૬માં ઇન્ડિયા બ્લુ ટીમે ઇન્ડિયા ગ્રીન ટીમ સામે ૭૦૦ રનનો આંકડો પાર કરીને ૭૦૭ રનનો સ્કોર કર્યો હતો.
ઈસ્ટ ઝોનનો ૭૦૮ રનનો સ્કોર દુલીપ ટ્રોફીનો સાતમો સૌથી મોટો સ્કોર છે. ઈસ્ટ ઝોનનો આ હાઇએસ્ટ સ્કોર હતો. આ ટીમે અગાઉ ૧૯૮૬માં વેસ્ટ ઝોન સામે ૫૬૧ રનનો મોટો સ્કોર કર્યો હતો. ઑક્ટોબર ૧૯૮૭માં નૉર્થ ઝોને ફાઇનલ મૅચમાં વેસ્ટ ઝોન સામે ૮૬૮ રનનો સ્કોર કર્યો હતો, જે દુલીપ ટ્રોફી ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર છે.
ઈશાન કિશન ૨૭૦ રન કરીને કૅચઆઉટ થયો એને પગલે તેની પહેલી ટ્રિપલ સેન્ચુરીની અને ૨૭૩ રનના પોતાના હાઇએસ્ટ ફર્સ્ટ-ક્લાસ સ્કોરને પાર કરવાનું ચૂકી ગયો હતો. દુલીપ ટ્રોફી ફાઇનલમાં ૨૫૦ રન કરનાર ઈશાન કિશન પહેલો કૅપ્ટન બન્યો છે.