13 April, 2026 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેમી ઓવર્ટન અને ક્રેગ ઓવર્ટન
શનિવારે ૮૦૦૦ કિલોમીટરના અંતરે ઇંગ્લૅન્ડના જોડિયા ઑલરાઉન્ડર્સ ભાઈઓએ ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવી હતી. બત્રીસમી વર્ષગાંઠના બીજા જ દિવસે ઇંગ્લૅન્ડના પેસ બોલર જેમી ઓવર્ટને ચેન્નઈમાં અને ઑલરાઉન્ડર ક્રેગ ઓવર્ટને ઇંગ્લૅન્ડમાં શાનદાર રમત દેખાડી હતી. જેમી ઓવર્ટને ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૪ ઓવરમાં ૧૮ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. જ્યારે ક્રેગ ઓવર્ટને પણ કાઉન્ટી ક્રિકેટમાં તેની ટીમ સમરસેટ માટે ઍસેક્સ ટીમ સામે ૮૦ બૉલમાં ૧૪૧ રનની કૅપ્ટન ઇનિંગ્સ રમી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ તેનો સૌથી મોટો સ્કોર હતો. આ પહેલી વાર નથી જ્યારે આ જોડિયા ભાઈઓએ અલગ રહીને ક્રિકેટના મેદાન પર અસાધારણ સારું પ્રદર્શન કર્યું હોય. અગાઉ એપ્રિલ ૨૦૨૨માં કાઉન્ટી ક્રિકેટ મૅચમાં ક્રેગ ઓવર્ટને ઓવલ ખાતે અને જેમી ઓવર્ટને ટાઉન્ટનમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. ઓવલથી ટાઉન્ટનનું અંતર આશરે ૨૬૭ કિલોમીટર છે.