19 February, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કમાલના કમબૅક બાદ ઐતિહાસિક જીત બાદ સેલિબ્રેટ કરી રહેલી જમ્મુ ઍન્ડ કાશ્મીરની ટીમ
ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરે ઇતિહાસ રચીને સૌને ચોંકાવી દીધા છે. ૬૭ વર્ષથી રણજી ટ્રોફી રમી રહેલા જમ્મુ ઍન્ડ કાશ્મીરે સેમી-ફાઇનલમાં શાનદાર કમબૅક સાથે બંગાળને હરાવીને પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ચૅમ્પિયન બનવા માટે ફાઇનલમાં તેની ટક્કર કર્ણાટક સામે થશે.
બંગાળના ૩૨૮ રન સામે પહેલી ઇનિંગ્સમાં જમ્મુ ઍન્ડ કાશ્મીર ૩૦૨ રન બનાવી ઑલઆઉટ થઈ ગયું હતું અને બંગાળને ૨૬ રનની મહત્ત્વપૂર્ણ લીડ મળી હતી. જોકે જમ્મુ ઍન્ડ કાશ્મીરે બીજી ઇનિંગ્સમાં આકિબ નબી અને સુનીલકુમારના ચાર-ચાર વિકેટના તરખાટ વડે બંગાળને માત્ર ૯૯ રનમાં પૅવિલિયન ભેગું કરી દઈને જીત માટે ૧૨૬ રનનો ટાર્ગેટ મેળવ્યો હતો. ૧૨ રનમાં બન્ને ઓપનરોને ગુમાવીને જમ્મુ ઍન્ડ કાશ્મીરે નબળી શરૂઆત કર્યા બાદ શુભમ પુંદિરના ૨૭, વંશરાજ શર્માના અણનમ ૪૩ અને અબ્દુલ સમદના અણનમ ૩૦ રનની મદદથી ટાર્ગેટ હાંસલ કરીને કમાલ કરી દીધી હતી.
જમ્મુ ઍન્ડ કાશ્મીરની આ કમાલમાં સૌથી મોટો ફાળો પેસર આકિબ નબીનો છે. છેલ્લાં બે વર્ષથી કમાલના પર્ફોર્મન્સથી ધ્યાન ખેંચનાર નબીએ આ સીઝનમાં અત્યાર સુધી ૯ મૅચમાં સેકન્ડ-હાઇએસ્ટ પંચાવન વિકેટ લીધી છે. ઉત્તરાખંડના મયંક મિશ્રાની સૌથી વધુ ૫૭ વિકેટ છે.
બીજી સેમી-ફાઇનલમાં ગઈ કાલે ચોથા દિવસે કર્ણાટકે કુલ લીડ ૮૦૨ રન પર પહોંચાડીને પંદરમી વાર ફાઇનલમાં પ્રવેશ નક્કી કરી નાખ્યો હતો. ઉત્તરાખંડ સામે પહેલી ઇનિંગ્સમાં ૫૦૩ રનની લીડ મેળવનાર કર્ણાટકે ફૉલોઑન આપવાનું ટાળીને ફરી બૅટિંગ કરતાં ગઈ કાલે ૬ વિકેટે ૨૯૯ રન બનાવીને કુલ ૮૦૨ રનની લીડ મેળવીને ઉત્તરાખંડ માટે કમબૅકના બધા જ દરવાજા બંધ કરી દીધા હતા.
રવિચન્દ્રન સ્મરણ બીજી ઇનિંગ્સમાં પણ સેન્ચુરી ફટકારીને ૧૨૭ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. આ સાથે તે કુલ ૯૫૦ રન સાથે સીઝનનો હાઇએસ્ટ સ્કોરર પણ બની ગયો હતો.
કે. એલ. રાહુલને પણ બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરીની કમાલનો મોકો છે. રાહુલે પહેલી ઇનિંગ્સમાં ૧૪૧ રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગ્સમાં અણનમ ૭૦ રન સાથે રમી રહ્યો છે.