પરિસ્થિતિના હિસાબે પોતાને ઢાળવાનું શીખવું જોઈએ અને બૉલને વારંવાર બદલવાની ડિમાન્ડ પણ ન કરો

13 July, 2025 10:21 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ડ્યુક્સ બૉલ વિવાદ પર ભારતને ટૉન્ટ મારતાં જો રૂટ કહે છે...

જો રૂટ

લૉર્ડ્‌સ ટેસ્ટ-મૅચના બીજા દિવસે ભારતીય કૅપ્ટન શુભમન ગિલ અને ફીલ્ડ અમ્પાયર વચ્ચે બૉલના આકાર બદલાવવા વિશે વારંવાર ઘણી ઉગ્ર વાતચીત થઈ હતી. ડ્યુક્સ બૉલ વિવાદ પર ઇંગ્લૅન્ડનો અનુભવી બૅટર જો રૂટ કહે છે, ‘મને ખબર નથી કે બૉલ કેવી રીતે બને છે, પણ મને ખબર છે કે એ હાથથી બનાવવામાં આવે છે. એથી કોઈ બે બૉલ એકસરખા ન હોઈ શકે અને આ ઉનાળાની ઋતુમાં આપણા માટે આ એક અપવાદ છે. આપણે આટલા સખત અને ઝડપી આઉટફીલ્ડથી ટેવાયેલા નથી. જો બૉલનો આકાર બગડે તો એને બદલવો જોઈએ, પરંતુ આને મુદ્દો ન બનાવવો જોઈએ.’

જો રૂટે વધુમાં કહ્યું, ‘બૉલ બદલવાથી રમતમાં એક અલગ ગતિશીલતા આવે છે. પ્લેયર્સ આ બધી બાબતોમાં અનુકૂલન સાધવા માટે પૂરતા કુશળ હોવા જોઈએ. બૉલ સ્વિંગ થઈ રહ્યો છે કે સ્વિંગ થતો બંધ થઈ જાય એનાથી કોઈ ફરક પડવો જોઈએ નહીં. તમારે પરિસ્થિતિઓ અનુસાર પોતાને ઢાળવાનું શીખવું જોઈએ અને વારંવાર બૉલ બદલવાની માગણી ન કરવી જોઈએ.’

રૂટે દરેક ટીમને દર ૮૦ ઓવરમાં ત્રણ વાર બૉલ બદલવાની તક આપવાનું સૂચન કર્યું હતું.

બુમરાહે પોતાને ડ્યુક્સ બૉલ વિશે વિવાદાસ્પદ નિવેદન આપતાં રોક્યો
ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-મૅચ માટે ઉપયોગમાં લેવાતા ડયુક્સ બૉલ વિશે ભારે ચર્ચા થઈ રહી છે. આ વિશે વાત કરતાં જસપ્રીત બુમરાહ કહે છે, ‘બૉલની ગુણવત્તા વિશે મારી પાસે ખરેખર નિયંત્રણ નથી. હું પૈસા ગુમાવવા માગતો નથી, કારણ કે હું ખૂબ મહેનત કરું છું અને ઘણી ઓવર નાખું છું. એથી હું કોઈ વિવાદાસ્પદ નિવેદન આપવા માગતો નથી અને મારી મૅચ-ફીમાં ઘટાડો કરાવવા માગતો નથી. ક્યારેક તમને ખરાબ બૉલ મળે છે. બસ, અમે એને પોતાના પ્રમાણે બદલી શકતા નથી.’

india england test cricket joe root cricket news sports news sports shubman gill