14 August, 2026 10:49 AM IST | London | Gujarati Mid-day Correspondent
જો રૂટ
ઇંગ્લૅડના નવા કૅપ્ટન જો રૂટે સિરીઝ દરમ્યાન ખેલાડીઓને મોડી રાત્રે બહાર ન ફરવાના ‘નાઇટ કરફ્યુ’ને રદ કરી દીધો છે. જૂનમાં ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ દરમ્યાન ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે પોતે આ ‘નાઇટ કરફ્યુ’ને અવગણીને પબમાં જઈને ધમાલ મચાવતાં થયેલા વિવાદને લીધે સસ્પેન્ડ થવું પડ્યું હતું અને આખરે ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કરી દેવી પડી હતી. સ્ટોક્સની વિદાય બાદ ઇંગ્લૅન્ડે અનુભવી જો રૂટને ફરી ટેસ્ટ-ટીમનો કૅપ્ટન બનાવી દીધો હતો. ઇંગ્લૅન્ડના મૅનેજિંગ ડિરેક્ટર રૉબ કીએ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડની વિન્ટર ટૂર દરમ્યાન મોડી રાતના વિવાદાસ્પદ બનાવો બાદ આ ‘નાઇટ કરફ્યુ’નો નિયમ ખેલાડીઓ પર લાદ્યો હતો.
એક પૉડકાસ્ટ દરમ્યાન કૅપ્ટન રૂટે આ નિયમને રદ કરવા વિશે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે એની જરૂર છે. જો તમે ઇચ્છો છો કે ખેલાડીઓ મેદાન પર જવાબદારી લે તો તેમણે મેદાન બહાર પણ પુખ્ત વ્યક્તિ તરીકે વર્તવું પડશે. તેમણે એનું ભાન રાખવું પડશે કે મેદાન બહાર કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિમાં ન મુકાય.’