21 February, 2026 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાનના હેડ કોચનું પદ છોડવાનો નિર્ણય મારો પોતાનો નથી: જોનાથન ટ્રૉટ
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જોનાથન ટ્રૉટનો અફઘાનિસ્તાનના હેડ કોચપદનો કાર્યકાળ T20 વર્લ્ડ કપના અભિયાનના અંત સાથે પૂરો થયો છે. તેણે વર્લ્ડ કપ પહેલાં આ પદ છોડવાની જાહેરાત કરી હતી. જોકે કૅનેડા સામેની મૅચના અંતે પ્રેસ-કૉન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે ‘હેડ કોચ પદે જળવાઈ રહેવું કે નહીં એ મારો નિર્ણય નથી. કદાચ આ સમય યોગ્ય છે, કદાચ નહીં પણ હોય. હું ભવિષ્ય માટે બધાને શુભકામનાઓ પાઠવું છું.’
જોનાથન ટ્રૉટે પરોક્ષ રીતે સંકેત આપ્યો કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર તરફથી જ તેને પદ છોડવાનો નિર્દેશ મળ્યો છે.
પ્રેસ-કૉન્ફરન્સમાં ભાવુક થયેલા ૪૪ વર્ષના જોનાથન ટ્રૉટે કહ્યું હતું કે ‘મારી કરીઅરમાં મેં જે રમ્યું છે એના પર મને ખૂબ ગર્વ છે અને હું હંમેશાં ઇંગ્લૅન્ડની ટીમને સારું પ્રદર્શન કરતી જોવા માગું છું. મને ખુશી થશે કે મને એક દિવસ એવી ટીમને કોચિંગ આપવાની તક મળે જે મારાં હૃદયની ખૂબ નજીક છે. મને ખાતરી છે કે ઘણા લોકો હશે જે એ કરવાનું પસંદ કરશે. હું ફક્ત મારા કોચિંગનો આનંદ માણવા માગું છું. મેં અફઘાનિસ્તાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોનો ચોક્કસ આનંદ માણ્યો છે.’
જુલાઈ ૨૦૨૨થી અફઘાની હેડ કોચ બનેલા જોનાથન ટ્રૉટના કોચિંગ હેઠળ અફઘાનિસ્તાને ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૨૦૨૪ના વર્લ્ડ કપ દરમ્યાન અફઘાનિસ્તાનની ટીમ પહેલી વખત સેમી-ફાઇનલમાં પણ પહોંચી હતી.