T20 ક્રિકેટમાં ૧૫ હજાર રન પૂરા કરનાર જગતનો પહેલો ક્રિકેટર બન્યો જૉસ બટલર

19 September, 2026 07:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅરિબિયન પ્રીમિયર લીગમાં ટીમ લીગ સ્ટેજમાં આઉટ થતાં કાયરન પોલાર્ડનો સ્કોર ૧૪૯૯૯ રન અટક્યો હતો, ૩૬ વર્ષનો જૉસ બટલર T20 ક્રિકેટમાં ૧૫ હજાર રન પૂરા કરનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો છે. 

T20 ક્રિકેટમાં ૧૫ હજાર રન પૂરા કરનાર જગતનો પહેલો ક્રિકેટર બન્યો જૉસ બટલર

ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટર જૉસ બટલરે ગઈ કાલે શ્રીલંકા સામે ૧૬ બૉલમાં ૪ ફોર, એક સિક્સની મદદથી ૩૦ રન કરીને મોટો માઇલસ્ટોન પાર કર્યો હતો. ૩૬ વર્ષનો જૉસ બટલર T20 ક્રિકેટમાં ૧૫ હજાર રન પૂરા કરનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો છે. 
૫૨૮ T20 મૅચની ૪૯૭ ઇનિંગ્સમાં જૉસ બટલરનો T20 સ્કોર ૧૫૦૦૦ રને આવીને અટક્યો છે. તેણે ૯ સેન્ચુરી અને ૧૦૭ ફિફ્ટી ફટકારી છે. તેણે ૧૩૬૩ ફોર અને ૬૫૯ સિક્સ પણ ફટકારી છે. આ જુલાઈ મહિનામાં તેણે ભારત સામે ૬૪ બૉલમાં અણનમ ૧૩૧ રન કરીને પોતાનો હાઇએસ્ટ T20 સ્કોર નોંધાવ્યો હતો. 
જૉસ બટલરે ૧૬૨ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં બે સદીની મદદથી ૪૩૨૨ રન કર્યા છે. મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ટૉપ-સ્કોરર મામલે પાકિસ્તાનના બાબર આઝમ (૪૫૯૬ રન)પછી તે બીજા ક્રમે છે. જૉસ બટલર ૭ T20 ફ્રૅન્ચાઇઝી લીગમાં રમ્યો છે, જેમાંથી તેણે IPLમાં સૌથી વધુ ૧૩૮ મૅચમાં ૪૬૪૬ રન કર્યા હતા. T20 ક્રિકેટની બાકીની ૭ સદી તેણે IPLમાં જ ફટકારી છે.
૧૫ હજાર રન પૂરા કરવાની કમાલ હાલમાં જ વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર કાયરન પોલાર્ડના નામે હોત. જોકે કૅરિબિયન પ્રીમિયર લીગમાં તેની ટીમ લીગ-સ્ટેજમાં આઉટ થતાં તેનો સ્કોર ૧૪.૯૯૯ રન પર અટક્યો હતો.

શ્રીલંકા સામે સતત ત્રીજી T20 સિરીઝ જીત્યું ઇંગ્લૅન્ડ 
ઇંગ્લૅન્ડે શ્રીલંકા સામે રમેલી સતત ત્રીજી T20 દ્વિપક્ષીય સિરીઝ જીતી છે. ગઈ કાલે બીજી મૅચમાં ૬ વિકેટની જીત સાથે ઇંગ્લૅન્ડે શ્રીલંકા સામેની ત્રણ T20 મૅચની સિરીઝ પર ૨-૦થી કબજો કર્યો છે. આ હરીફ સામે અંગ્રેજ ટીમે સતત ૧૪મી T20 મૅચ જીતી છે. 
શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૪૫ રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લૅન્ડે ટૉમ બેન્ટનના ૨૪ બૉલમાં બાવન રનના આધારે ઇંગ્લૅન્ડે ૧૨.૧ ઓવરમાં ૧૪૬/૪ના સ્કોર સાથે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સ્પિનર લિયામ ડૉસન ત્રણ વિકેટ અને બે કૅચને કારણે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. 

sports news jos buttler cricket news sports england sri lanka