✕

કગિસો રબાડાએ રચ્યો ઇતિહાસ: સૌથી ઓછા બૉલમાં ૩૫૦ ટેસ્ટ-વિકેટ લેનારો બોલર બન્યો

01 November, 2026 09:32 AM IST  |  Cape town | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-મૅચોની સંખ્યાની દૃષ્ટિએ રબાડાએ ૭૫મી ટેસ્ટમાં ૩૫૦ વિકેટ પૂરી કરી છે. ફાસ્ટ બોલરોની યાદીમાં તે વેસ્ટ ઇન્ડીઝના લેજન્ડ માલ્કમ માર્શલ સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે પહોંચી ગયો છે. આ યાદીમાં રિચર્ડ હેડલી અને ડેલ સ્ટેન સંયુક્ત રીતે મોખરે છે.

રબાડાનો 350 ટેસ્ટ વિકેટનો નવો રેકૉર્ડ

સાઉથ આફ્રિકાના પેસ બોલર કગિસો રબાડાએ શનિવારે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટના પાંચમા દિવસે બીજી ઇનિંગ્સમાં ટેસ્ટ-ક્રિકેટમાં પોતાની ૩૫૦મી વિકેટ ઝડપીને નવો ઇતિહાસ રચી દીધો છે. ફેંકવામાં આવેલા બૉલની સંખ્યાની દૃષ્ટિએ રબાડા હવે ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી ૩૫૦ વિકેટ લેનારો બોલર બની ગયો છે.

સિરીઝ-નિર્ણાયક મુકાબલામાં ૨૮૮ રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે રબાડાએ ઑસ્ટ્રેલિયાના સ્ટાર બૅટ્સમૅન ટ્રૅવિસ હેડની મહત્ત્વની વિકેટ લઈને આ કીર્તિમાન સ્થાપ્યો હતો. તેણે ઑફ-સ્ટમ્પ બહાર ફુલર લેન્થ બૉલ ફેંકીને હેડને ડ્રાઇવ રમવા લલચાવ્યો હતો. હેડે ફટકારેલો બૉલ બૅટની કિનારી લઈને ગલી તરફ ગયો હતો, જ્યાં માર્કો યાન્સેને શાનદાર કૅચ પકડી લીધો હતો.

આ સફળતા સાથે જ રબાડાએ સૌથી ઓછા બૉલમાં ૩૫૦ ટેસ્ટ-વિકેટ લેવાના મામલે પોતાના જ દેશના દિગ્ગજ બોલર ડેલ સ્ટેનનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. રબાડાએ કારકિર્દીના ૧૩,૮૦૮ બૉલમાં આ સિદ્ધિ મેળવી છે.

ટેસ્ટ-મૅચોની સંખ્યાની દૃષ્ટિએ રબાડાએ ૭૫મી ટેસ્ટમાં ૩૫૦ વિકેટ પૂરી કરી છે. ફાસ્ટ બોલરોની યાદીમાં તે વેસ્ટ ઇન્ડીઝના લેજન્ડ માલ્કમ માર્શલ સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે પહોંચી ગયો છે. આ યાદીમાં રિચર્ડ હેડલી અને ડેલ સ્ટેન સંયુક્ત રીતે મોખરે છે, જેમણે માત્ર ૬૯ ટેસ્ટમાં આ સિદ્ધિ નોંધાવી હતી.

સૌથી ઓછા બૉલમાં ૩૫૦ વિકેટ

૧૩,૮૦૮ - કગિસો રબાડા (સાઉથ આફ્રિકા)

૧૪,૭૧૯ - ડેલ સ્ટેન (સાઉથ આફ્રિકા)

૧૪,૯૦૫ - વકાર યુનિસ (પાકિસ્તાન)

૧૬,૨૮૫ - માલ્કમ માર્શલ (વેસ્ટ ઇન્ડીઝ)

૧૬,૯૦૮ - મિચલ સ્ટાર્ક (ઑસ્ટ્રેલિયા)

સૌથી ઓછી મૅચમાં ૩૫૦ વિકેટ ઝડપનારા ફાસ્ટ બોલરો

૬૯ - રિચર્ડ હેડલી / ડેલ સ્ટેન

૭૦ - ડેનિસ લિલી

૭૪ - ગ્લેન મૅકગ્રા

૭૫ - માલ્કમ માર્શલ / કગિસો રબાડા

૭૮ - વકાર યુનિસ

૭૯ - ઇમરાન ખાન

australia test cricket international news cricket news sports news sports south africa