15 November, 2026 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાઇરન પોલાર્ડ
MI એમિરેટ્સે શનિવારે ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)ની આગામી સીઝન માટે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર કાઇરન પોલાર્ડને પોતાના વાઇલ્ડકાર્ડ પ્લેયર તરીકે સામેલ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે પોલાર્ડ ફરી એક વાર યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં રમાનારી આ ટુર્નામેન્ટમાં જોવા મળશે. ૨૦૨૩માં લીગની શરૂઆત થઈ ત્યારથી જ તે આ ટીમ સાથે જોડાયેલો છે.
ગત સીઝનમાં પણ લીગના પ્રથમ ઑક્શન બાદ નિકોલસ પૂરનની સાથે પોલાર્ડને વાઇલ્ડકાર્ડ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગત સીઝનમાં MI એમિરેટ્સ ટ્રોફી જીતવાની ખૂબ નજીક પહોંચી હતી, પરંતુ ફાઇનલમાં ડેઝર્ટ વાઇપર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ક્રિકેટજગતમાં બહુ ઓછા ખેલાડીઓ પાસે હોય એવા રેકૉર્ડ સાથે પોલાર્ડ મેદાનમાં ઊતરશે. તેણે અત્યાર સુધીમાં ૭૫૪ T20 મૅચ રમી છે, જે કોઈ પણ ક્રિકેટર દ્વારા રમાયેલી સૌથી વધુ મૅચ છે. તેણે ૩૧.૭૧ની ઍવરેજ અને ૧૫૦.૯૨ના સ્ટ્રાઇક-રેટથી ૧૪,૯૯૯ રન બનાવ્યા છે. આ ફૉર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બૅટર બનવા માટે તેને જૉસ બટલરને પાછળ છોડવા માત્ર ૬૩ રનની જરૂર છે.
મુંબઈ ઇન્ડિયન્સ (MI) ગ્રુપ સાથે પોલાર્ડનો નાતો ૨૦૧૦થી ૨૦૨૨ સુધી IPLમાં રમ્યો ત્યારે એક પ્લેયર તરીકે હતો. ત્યાર બાદ તે ટીમનો બૅટિંગ કોચ બન્યો હતો અને તાજેતરમાં જ ૨૦૨૭ની સીઝન માટે તેને હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.