25 March, 2026 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલકત્તાના આકાશ દીપ અને હૈદરાબાદના જૅક ઍડવર્ડ્સના રિપ્લેસમેન્ટની જાહેરાત થઈ
IPLની કમિટી દ્વારા ગઈ કાલે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના ઇન્જર્ડ પ્લેયર્સ માટે રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. કલકત્તાના ફાસ્ટ બોલર આકાશ દીપને બદલે સૌરભ દુબે અને હૈદરાબાદની ટીમના ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર જૅક ઍડવર્ડ્સને બદલે ડેવિડ પેનને સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યા છે. આકાશ દીપને એક કરોડ રૂપિયા અને જૅક ઍડવર્ડ્સને ૩ કરોડ રૂપિયામાં તેમની ટીમોએ સાઇન કર્યા હતા.
મહારાષ્ટ્રના ૨૮ વર્ષના ફાસ્ટ બોલર સૌરભ દુબે પાસે IPLમાં ડેબ્યુ કરવાની તક રહેશે. તેને કલકત્તાની ટીમે ૩૦ લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઇંગ્લૅન્ડ માટે માત્ર એક વન-ડે રમનાર ૩૫ વર્ષનો ફાસ્ટ બોલર ડેવિડ પેન હૈદરાબાદની ટીમમાં ૧.૫૦ કરોડ રૂપિયામાં જોડાયો છે. ૨૩૩ T20 મૅચોમાં ૨૮૦ વિકેટ લેનાર આ બોલર પહેલી વખત IPLમાં રમશે.