28 March, 2025 10:18 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
સાઇમન ડૂલે, હર્ષા ભોગલે
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના કૅપ્ટન અજિંક્ય રહાણે સાથે ટીમના હોમ ગ્રાઉન્ડ પર વિચિત્ર ઘટના બની હતી. કૅપ્ટને ઈડન ગાર્ડન્સના પિચ ક્યુરેટર સુજાન મુખર્જી સામે સ્પિન-ફ્રેન્ડ્લી પિચની માગણી કરી હતી, પણ ક્યુરેટરે અન્ય કોઈને પિચની પ્રકૃતિ વિશે કંઈ પણ કહેવાનો અધિકાર નથી એમ જણાવીને માગણી ફગાવી દીધી હતી. પિચ ક્યુરેટરના આ વર્તન પર કૉમેન્ટેટર સાઇમન ડૂલ અને હર્ષા ભોગલે બરાબર ભડક્યા છે.
ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સાઇમન ડૂલે કહ્યું હતું કે ‘તે (ક્યુરેટર) હોમ ટીમ શું ઇચ્છે છે એના પર ધ્યાન નથી આપી રહ્યો. તેઓ સ્ટેડિયમને IPL મૅચની યજમાની માટે ફી ચૂકવી રહ્યા છે, પરંતુ જો તે હજી પણ હોમ ટીમ શું ઇચ્છે છે એના પર ધ્યાન ન આપી રહ્યો હોય તો ફ્રૅન્ચાઇઝીએ હોમ ગ્રાઉન્ડને બીજે ક્યાંક લઈ જવું જોઈએ. તેનું કામ રમત પર અભિપ્રાય આપવાનું નથી, તેને એના માટે પૈસા ચૂકવવામાં આવતા નથી.’
હર્ષા ભોગલેએ પણ સાઇમન ડૂલના નિવેદનનું સમર્થન આપતાં કહ્યું હતું કે ‘જો હું KKR કૅમ્પમાં હોઉં તો હું તેમના (ક્યુરેટર) કહેવાથી ખૂબ જ નાખુશ છું, કારણ કે હું ૧૨૦ કે ૨૪૦ રનવાળી પિચ માગતો નથી. હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે મને એવી પિચ આપો જ્યાં મારા બોલરો મૅચ જીતી શકે. માફ કરશો, અમે આવી પિચ તૈયાર કરતા નથી... એમ કહેવું યોગ્ય નથી, પરંતુ મને લાગે છે કે IPL જેવી ટુર્નામેન્ટમાં હોમ ગ્રાઉન્ડનો ફાયદો સંપૂર્ણપણે વાજબી છે. એ ટુર્નામેન્ટમાં સુધારો કરશે, કારણ કે પછી વિદેશી મેદાનો પર જીત મેળવવી મહત્ત્વપૂર્ણ બની જાય છે.’