કે. એલ. રાહુલે ફેવરિટ પાંચમા નંબરે પાછા ફરીને સદી ફટકારી, કર્યું સ્પેશ્યલ સેલિબ્રેશન

15 January, 2026 12:30 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

વન-ડેમાં ઓપનર તરીકે શરૂઆત કરનાર રાહુલ હવે ભારતીય ટીમ માટે ફિનિશર જેવો રોલ ભજવી રહ્યો છે. એને કારણે રાહુલનો યોગ્ય ઉપયોગ નથી થઈ રહ્યો એવી ટીકાઓ થતી રહે છે, પણ રાહુલ પાંચમા-છઠ્ઠા નંબરે સેટ થઈ ગયો છે. પાંચમા નંબરે તેની આ ત્રીજી સદી છે.

સદી ફટકાર્યા પછી કે. એલ. રાહુલની સીટીમાર ઉજવણી.

કે. એલ. રાહુલે ગઈ કાલે રાજકોટની વન-ડેમાં સેન્ચુરી ફટકારીને દીકરી માટેનું સ્પેશ્યલ સેલિબ્રેશન રિપીટ કર્યું હતું. સદી પૂરી કર્યા પછી તેણે હેલ્મેટ ઉતારીને, બૅટ ઊંચું કરીને સીટી વગાડી હતી. આવું સેલિબ્રેશન રાહુલે પહેલી વાર ગયા વર્ષે અમદાવાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની 
ટેસ્ટ-મૅચ દરમ્યાન કર્યું હતું.
ગઈ કાલની વન-ડેમાં રાહુલ તેના ફેવરિટ બૅટિંગ-નંબર પાંચ પર રમવા આવ્યો હતો અને ભારતીય ટીમ માટે તારણહાર બન્યો હતો. તેણે ૯૨ બૉલમાં એક સિક્સ અને ૧૧ ફોરની મદદથી ૧૧૨ રન કર્યા હતા અને છેલ્લે સુધી અણનમ રહ્યો હતો. ૯૯ રન પર એક વિકેટનો સ્કોર હતો એ પછી માત્ર ૧૯ રનમાં બીજી ત્રણ વિકેટ પડી ગઈ હતી. ૭૦ રનના સ્કોર પર રોહિત શર્મા આઉટ થયો એ પછી ૯૯ રનના સ્કોર પર શુભમન ગિલ આઉટ થયો હતો. ૧૧૫ રનના સ્કોર પર શ્રેયસ ઐયર આઉટ થયો ત્યારે રાહુલ મેદાન પર આવ્યો હતો અને ૧૧૮ રનના સ્કોર પર વિરાટ કોહલી આઉટ થઈ ગયો હતો. રાહુલે આ ધબડકા પછી રવીન્દ્ર જાડેજા સાથે મળીને ઇનિંગ્સ સંભાળી હતી. રાહુલ અને જાડેજાએ ૭૩ રનની પાર્ટનરશિપ કરી હતી અને એ પછી રાહુલે નીતીશ કુમાર રેડ્ડી સાથે ૫૭ રનની પાર્ટ‌‌નરશિપ કરી હતી. એને લીધે ભારત ડીસન્ટ સ્કોર નોંધાવવામાં સફળ થયું હતું.

બે વાતે નંબર વન
ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડે ક્રિકેટમાં સેન્ચુરી કરનારો કે. એલ. રાહુલ પહેલવહેલો ભારતીય વિકેટકીપર છે. આ ઉપરાંત રાજકોટમાં વન-ડે ક્રિકેટમાં સેન્ચુરી ફટકારનાર પણ તે સૌપ્રથમ ભારતીય છે.

રાહુલે ૪૯મી ઓવરના છેલ્લા બૉલમાં સિક્સ ફટકારીને પોતાની સેન્ચુરી પૂરી કરી હતી.
વન-ડેમાં ઓપનર તરીકે શરૂઆત કરનાર રાહુલ હવે ભારતીય ટીમ માટે ફિનિશર જેવો રોલ ભજવી રહ્યો છે. એને કારણે રાહુલનો યોગ્ય ઉપયોગ નથી થઈ રહ્યો એવી ટીકાઓ થતી રહે છે, પણ રાહુલ પાંચમા-છઠ્ઠા નંબરે સેટ થઈ ગયો છે. પાંચમા નંબરે તેની આ ત્રીજી સદી છે. આ નંબર પર તેણે ૩૩ મૅચમાં ૧૪૭૭ રન કર્યા છે. વન-ડે ક્રિકેટમાં આ તેની આઠમી સદી છે અને ૧૧૨ રનનો સ્કોર તેનો હાઇએસ્ટ પણ છે.

kl rahul cricket news sports news sports indian cricket team