કોહલી અને રહાણેને ઈજા થતાં પ્રૅક્ટિસ મૅચમાં ન રમી શક્યા, રોહિત બન્યો કૅપ્ટન

21 July, 2021 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં ભારત માટે ખરાબ સમાચાર, કોરોનાને કારણે પૂરતા ખેલાડી ભેગા ન કરી શકાતાં અવેશ ખાન અને વૉશિંગ્ટન સુંદર કાઉન્ટી ઇલેવન તરફથી રમ્યા

કોહલી અને રહાણેને ઈજા થતાં પ્રૅક્ટિસ મૅચમાં ન રમી શક્યા, રોહિત બન્યો કૅપ્ટન

ડર્હામમાં ગઈ કાલથી શરૂ થયેલી કાઉન્ટી સિલેક્ટ ઇલેવન સામે શરૂ થયેલી પ્રૅક્ટિસ મૅચમાં ઈજાને કારણે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે નથી રમ્યા, તો ​રોહિત શર્માને ટીમનો કૅપ્ટન બનાવાયો છે. બીજી તરફ સામેની ટીમ તરફથી રમનાર ભારતીય ફાસ્ટ બોલર અવેશ ખાન પહેલા જ દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. સોમવારે સાંજે કોહલીને પીઠમાં દુખાવો ઊપડ્યો હતો એથી તેને આરામ કરવાની સલાહ અપાઈ હતી. તો રહાણેના ડાબા પગમાં સ્નાયુઓમાં સોજો ચડી ગયો હતો એથી તેને પણ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે ચોથી ઑગસ્ટ સુધી તે સાજો થઈ જશે. 
કોરોના તથા ઈજાને કારણે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પૂરતા પ્રમાણમાં ખેલાડીઓ શોધી ન શકતાં ભારત પાસેથી બે ખેલાડીઓની માગણી કરતાં અવેશ ખાન અને વૉશિંગ્ટન સુંદર કાઉન્ટીની ટીમ તરફથી રમ્યા હતા. અવેશે ૯.૫ ઓવર નાખીને ૪૧ રન આપ્યા હતા. જોકે હનુમા વિહારીએ ફટકારેલો શૉટ તેને વાગતાં તેણે મેદાન છોડી જવાની ફરજ પડી હતી. મૅચમાં આ લખાય છે ત્યાં સુધી ભારતે ૬૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૮૮ રન કર્યા હતા, જેમાં વિકેટકીપર બૅટ્સમૅન લોકેશ રાહુલે સૌથી વધુ ૭૬ રન કર્યા હતા. 

cricket news sports news sports