કાશ, હાર્દિકને ચિયર-અપ કરતા એક લાખ પ્રેક્ષકો વચ્ચે હું પણ બેઠો હોત : કૃણાલ પંડ્યા

02 June, 2022 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલના દોઢ મહિનાના લીગ રાઉન્ડમાં લખનઉ અને ગુજરાત વચ્ચે હરીફાઈ થતી રહી અને છેવટે ગુજરાતની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાના સ્થાન સાથે પ્લે-ઑફમાં સૌથી પહેલાં પહોંચી ગઈ હતી

ફાઇલ તસવીર

૨૦૨૨ની શરૂઆતમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ આરપીએસજી ગ્રુપ દ્વારા ૭૦૯૦ કરોડ રૂપિયામાં ખરીદાતાં આઇપીએલની નવી તથા સૌથી મોંઘી ટીમ બની હતી અને એ ટીમે પછીથી કૃણાલ પંડ્યાને ૮.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બીજી નવી ટીમે ગુજરાત ટાઇટન્સને સીવીસી કૅપિટલ પાર્ટનર્સ નામની વિદેશી કંપનીએ ૫૬૦૦ કરોડ રૂપિયામાં મેળવી અને પછીથી એ ટીમે હાર્દિક પંડ્યાને ૧૫ કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો.

આઇપીએલના દોઢ મહિનાના લીગ રાઉન્ડમાં લખનઉ અને ગુજરાત વચ્ચે હરીફાઈ થતી રહી અને છેવટે ગુજરાતની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાના સ્થાન સાથે પ્લે-ઑફમાં સૌથી પહેલાં પહોંચી ગઈ હતી. લખનઉની ટીમ પણ પ્લે-ઑફમાં ગઈ, પરંતુ છેવટે ગુજરાતનો જયજયકાર થયો અને આઇપીએલમાં નવો ઇતિહાસ રચાયો.

ગુજરાત ટાઇટન્સને ૧૫મી સીઝનની ચૅમ્પિયન બનાવવામાં સૌથી મોટું યોગદાન હાર્દિક પંડ્યાનું છે. તેના વિશે તેનો મોટો ભાઈ કૃણાલ એક ઇન્ટરવ્યુમાં કહે છે કે ‘મારો નાનો ભાઈ ચૅમ્પિયન-કૅપ્ટન બન્યો એનો મને બેહદ આનંદ છે, પણ અફસોસ છે કે હું અમદાવાદમાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં બેસીને મારા ભાઈને અને તેની ટીમને ચૅમ્પિયન બનતી ન જોઈ શક્યો. કાશ, હું પણ એક લાખ કરતાં વધુ લોકો વચ્ચે બેસીને હાર્દિકને ચિયર-અપ કરતો હોત! ગુજરાત ટાઇટન્સની સફળતા પાછળ હાર્દિકે તનતોડ મહેનત કરી હતી અને એનું જ આ ફળ છે. રોજ સવારે વહેલા ઊઠીને પ્રૅક્ટિસ કરવી, ક્રિકેટની બાબતમાં શિસ્તનું સખત પાલન કરવું અને મનોબળ મજબૂત બનાવવું આ બધું હાર્દિકની સફળતાનાં રહસ્ય છે. આ બધાને કારણે જ તે ટ્રોફી હાથમાં લઈ શક્યો છે. કેટલાક લોકોએ તેની નિષ્ફળતા ભાંખી લીધી હતી, પરંતુ હાર્દિકે ઇતિહાસ રચી દીધો.’

sports sports news cricket news indian premier league ipl 2022 gujarat titans lucknow super giants hardik pandya krunal pandya