18 April, 2026 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લલિત મોદી ૧૧ વર્ષથી દરેક વર્ષગાંઠે દીકરાને ફેરારી કાર ગિફ્ટ આપે છે
લંડનના આલીશાન મકાનમાં હાલમાં IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉનની યુટ્યુબ ચૅનલ માટે રસપ્રદ ચર્ચા કરી હતી. લલિત મોદીએ પોતાના દીકરા રુચિર વિશે મોટો ખુલાસો કર્યો હતો.
લલિત મોદીએ કહ્યું હતું કે ‘હું એ વાત પર ભાર મૂકું છું કે મારા દીકરાની દરેક વર્ષગાંઠે તેને એક ફેરારી કાર ભેટ આપું છું. ૨૧ વર્ષની ઉંમરથી તેને આ કાર ગિફ્ટમાં મળી રહી છે. તેની પાસે ફેરારીનો સૌથી મોટો સંગ્રહ છે અને તે હવે ૩૨ વર્ષનો થયો છે. તેની પાસે એમાંની ૧૧ કાર છે. તે ઘણો ભાગ્યશાળી છે.’
IPL ૨૦૩૦ સુધીમાં ટોચના ખેલાડીઓ ૧૫૦ કરોડ કમાશે : લલિત મોદી
૨૦૦૮માં ૧૮ એપ્રિલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે IPL ટુર્નામેન્ટની પહેલવહેલી મૅચ રમાઈ હતી. કલકત્તાએ આ મૅચમાં ૩ વિકેટે ૨૨૨ રન બનાવીને બૅન્ગલોરને ૮૨ રનમાં ઑલઆઉટ કરીને ૧૪૦ રને વિજય મેળવ્યો હતો.
આજે IPLનાં ૧૮ વર્ષ પૂરાં થવાનાં છે એ પહેલાં ટુર્નામેન્ટના સ્થાપક લલિત મોદીએ મોટો દાવો કરતાં કહ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં ટોચના IPL ખેલાડીઓનો પગાર પ્રતિ સીઝન ૧૩૦થી ૧૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ અંદાજિત વધારો ડિજિટલ ટ્રાન્સફૉર્મેશન અને ટીમ-વૅલ્યુએશનને આભારી હશે. ૨૦૩૦ સુધીમાં દરેક ટીમ માટે ફ્રૅન્ચાઇઝી-બજેટ આશરે ૯૩૨ કરોડ રૂપિયા સુધી વધશે.