26 July, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
IPL 2026 દરમ્યાન વર્ષો જૂની રાજસ્થાન રૉયલ્સ ટીમ છોડીને નવી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ માટે રમવા વિશે સંજુ સૅમસને મોટો ખુલાસો કર્યો છે. વિકેટકીપર-બૅટર સંજુ સૅમસને કહ્યું હતું કે ‘રાજસ્થાન રૉયલ્સ છોડવું એ એક મોટું જોખમ હતું. એક વાર તમે ફ્રૅન્ચાઇઝીને તમારા નિર્ણયની જાણ કરી દો પછી પાછા ફરવાનો કોઈ રસ્તો નથી રહેતો. તમને એવી ટીમમાં પણ ટ્રેડ કરવામાં આવી શક્યા હોત જેમાં તમે જોડાવા માગતા ન હો અથવા કોઈ ટ્રેડ વિના ઑક્શનમાં જવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ હોત. મને ખાતરી હતી કે ૨૦૨૫ની સીઝન મારી રાજસ્થાન સાથેની છેલ્લી સીઝન હશે. મેં મારા પરિવાર અને મારી પત્ની સાથે બે કે ત્રણ અઠવાડિયાં સુધી આ મામલે લાંબી ચર્ચા કરી હતી.’
ચેન્નઈ સાથેના જોડાણ વિશે સંજુ સૅમસને કહ્યું હતું કે ‘હું એક આત્મવિશ્વાસુ વ્યક્તિ છું. હું મારા પોતાના પગ પર ઊભા રહેવાની મારી ક્ષમતામાં વિશ્વાસ રાખું છું. હું હંમેશાં નવી શરૂઆતથી શરૂઆત કરવા માટે તૈયાર રહું છું. ચેન્નઈ માટે પહેલી ત્રણ મૅચમાં અસફળ રહ્યા બાદ ટીમ-મૅનેજમેન્ટ અને મારા સાથી ખેલાડીઓનું મારા પ્રત્યેનું વલણ બિલકુલ બદલાયું નહોતું.’