17 May, 2026 09:07 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
અંશુલે ૨.૪ ઓવરમાં વિના વિકેટે ૬૩ રનની લહાણી કરી હતી
આ સીઝનમાં થર્ડ-હાઇએસ્ટ ૧૯ વિકેટ સાથે ચેન્નઈ સુપર કિંગ્સના બોલિંગ-અટૅકને લીડ કરનાર પેસ બોલર અંશુલ કમ્બોજ શુક્રવારે લખનઉ સામે ખરા સમયે ફસકી ગયો હતો. અંશુલે ૨.૪ ઓવરમાં વિના વિકેટે ૬૩ રનની લહાણી કરી હતી, પરિણામે ચેન્નઈ ૧૮૮ રનનો ટાર્ગેટ ડિફેન્ડ નહોતું કરી શક્યું અને ૭ વિકેટે હારી ગયું હતું. આ હાર બાદ હવે ચેન્નઈએ પ્લે-ઑફ માટે હૈદરાબાદ અને ગુજરાત સામેની બાકીની બન્ને મૅચ જીતવી જરૂરી બની ગઈ છે. કમ્બોજના સ્પેલની બીજી અને ઇનિંગ્સની પાંચમી ઓવરમાં પહેલા ચારેય બોલે મિચલ માર્શે સિક્સર ફટકારીને એ ઓવરમાં કુલ ૨૮ રન બનાવ્યા હતા. તે ફરી ૧૭મી એાવરમાં બોલિંગ-અટૅકમાં આવ્યો ત્યારે લખનઉને જીત માટે ૨૪ બૉલમાં ૨૪ની રનની જરૂર હતી. નિકોલસ પૂરને એ વખતે કમ્બોજના પહેલા ચારેય બોલે સિક્સર ફટકારીને મૅચ સમાપ્ત કરી દીધી હતી. આ સાથે IPLમાં એક જ ઓવરમાં ચાર સિક્સરની નામોશી બે વાર જોનાર પહેલો બોલર બની ગયો હતો. આ ઉપરાંત સ્પેલમાં સૌથી વધુ ૮ સિક્સર ખાઈને તેણે યશ દયાલની બરોબરી કરી લીધી હતી. ૨૦૨૩માં ગુજરાત વતી રમતા યશ દયાલે કલકત્તા સામે આવી નામોશી જોઈ હતી. ઉપરાંત કમ્બોજ ૩ કે ઓછી ઓવરમાં ૬૦ કે એથી વધુ રન આપનાર ખલીલ અહમદ બાદ બીજો બોલર બની ગયો હતો. ચેન્નઈ વતી રમતાં ખલીલ અહમદે ગયા વર્ષે બૅન્ગલોરમાં ૩ ઓવરમાં વિના વિકેટે ૬૫ રન આપ્યા હતા.
શુક્રવારે લખનઉ સુપર જાયન્ટ્સ ઘરઆંગણે એકાના સ્ટેડિયમમાં પહેલી વાર ચેન્નઈ સુપર કિંગ્સને હરાવવામાં સફળ થયું હતું. પ્લે-ઑફની રેસમાંથી ઑલરેડી બહાર થયેલા લખનઉ માટે જીત એક મોટું આશ્વાસન હતી, પણ આ દરમ્યાન સ્લો ઓવર-રેટના ગુના બદલ કૅપ્ટન રિષભ પંતને ૧૨ લાખનો દંડ થયો હતો. આ સીઝનમાં આવા ગુનાસર દંડિત થનાર પંત આઠમો કૅપ્ટન બન્યો હતો. હવે માત્ર બૅન્ગલોર અને રાજસ્થાનના જ કૅપ્ટન અત્યાર સુધી દરેક મૅચમાં ઓવર-રેટ બરાબર જાળવી શક્યા છે અને દંડિત નથી થયા.