28 March, 2025 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણ વાર વીસથી ઓછા બૉલમાં ફિફ્ટી કરનાર IPLનો ત્રીજો બૅટર બન્યો નિકોલસ પૂરન.
IPL 2025ની સાતમી મૅચમાં હૈદરાબાદના ૧૯૧ રનના ટાર્ગેટને ૧૬.૧ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો લખનઉએ
IPL 2025ની સાતમી મૅચમાં લખનઉ સુપર જાયન્ટ્સે પાંચ વિકેટે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને સીઝનમાં પોતાની પહેલી જીત નોંધાવી છે. ખરાબ શરૂઆત છતાં હૈદરાબાદે નવ વિકેટ ગુમાવીને ૧૯૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનઉની ટીમે ૭૭ રનના પોતાના બીજા હાઇએસ્ટ પાવરપ્લે સ્કોરની મદદથી પાંચ વિકેટ ગુમાવીને ૧૯૩ રન બનાવી ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૧૪૫ રન સાથે નિકોલસ પૂરન ઑરેન્જ કૅપ અને ૬ વિકેટ સાથે શાર્દૂલ ઠાકુરે પર્પલ કૅપ મેળવી હતી.
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી હૈદરાબાદની ટીમે ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરની ધારદાર બોલિંગને કારણે અભિષેક શર્મા (૬ બૉલમાં ૬ રન) અને ઈશાન કિશન (શૂન્ય)ની વિકેટ ગુમાવી હતી. ૨.૨ ઓવરમાં જ્યારે ટીમનો સ્કોર ૧૫/૨ હતો ત્યારે ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (૨૮ બૉલમાં ૩૨ રન)એ ઓપનર ટ્રૅવિસ હેડ (૨૮ બૉલમાં ૪૭ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૬૧ રન અને હેન્રિક ક્લાસેન (૧૭ બૉલમાં ૨૬ રન) સાથે ચોથી વિકેટ માટે ૩૪ રનની પાર્ટનશિપ કરીને ટીમનો સ્કોર ૧૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. કૅપ્ટન પૅટ કમિન્સ (૪ બૉલમાં ૧૮ રન) અને અનિકેત વર્મા (૧૩ બૉલમાં ૩૬ રન)ની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ટીમનો સ્કોર નવ વિકેટે ૧૯૦ રન થયો હતો. રિપ્લેસમેન્ટ તરીકે લખનઉમાં સામેલ થયેલા ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે (૩૪ રનમાં ચાર વિકેટ) પોતાનું આ ટુર્નામેન્ટનું સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન કરીને ૧૦૦ વિકેટની સિદ્ધિ પણ મેળવી છે.
લખનઉના વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરને (૨૬ બૉલમાં ૭૦ રન) સીઝન ૧૮ની ફાસ્ટેસ્ટ ૧૮ બૉલની ફિફ્ટી નોંધાવીને ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. તેણે બીજી વિકેટ માટે ઇમ્પૅક્ટ પ્લેયર મિચલ માર્શ (૩૧ બૉલમાં બાવન રન) સાથે ૮.૪ ઓવરની અંદર ૧૧૬ રનની ભાગીદારી કરીને જીતનો મજબૂત પાયો નાખ્યો હતો. છઠ્ઠી વિકેટ માટે ડેવિડ મિલર (સાત બૉલમાં ૧૩ રન) અને અબ્દુલ સમદ (૮ બૉલમાં બાવીસ રન)ની ૨૯ રનની પાર્ટનરશિપને આધારે લખનઉએ ૨૩ બૉલ પહેલાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ધમાકેદાર નિકોલસ પૂરન |
|
રન |
૭૦ |
બૉલ |
૨૬ |
ચોગ્ગા |
૦૬ |
છગ્ગા |
૦૬ |
સ્ટ્રાઇક-રેટ |
૨૬૯.૨૩ |
450
આટલા સ્ટ્રાઇક-રેટથી એક IPL ઇનિંગ્સમાં બૅટિંગ કરનાર પહેલો કૅપ્ટન બન્યો પૅટ કમિન્સ.