ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં સુપર જાયન્ટ્સ ચૅમ્પિયન

18 August, 2026 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાઇનલમાં ટ્રેન્ટ રૉકૅટ્સને પાંચ વિકેટથી પરાસ્ત કરીઃ સંજય ગોયનકાની ટીમે પહેલી જ સીઝનમાં ટ્રોફી જીતી લીધી

ચૅમ્પિયન બન્યા બાદ ટ્રોફી સાથે ટીમના માલિક સંજીવ ગોયનકા પત્ની સાથે, કૅપ્ટન જૉસ બટલર, ટિમ સાઇફર્ટ તેમજ ટીમ મૂડી, જસ્ટીન લૅન્ગર અને કૅન વિલિયમસન.

ઇંગ્લૅન્ડની ૧૦૦ બૉલની ટુર્નામેન્ટ ધ હન્ડ્રેડની ત્રીજી સીઝન સંજય ગોયનકાની ટીમ મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે જીતી લીધી છે. રવિવારે રાત્રે લૉર્ડ્‍સમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં આ સીઝનની નંબર વન ટીમ ટ્રેન્ટ રૉકૅટ્સને બે બૉલ બાકી રાખીને પાંચ વિકેટથી પરાજિત કરી દીધી હતી. 
ટૉસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગ કરતા ટ્રેન્ટ રૉકૅટ્સે ૧૦૦ બૉલમાં ૮ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતાં. જૉસ બટલરના નેતૃત્વમાં અને ન્યુ ઝીલૅન્ડના ઓપનર ટિમ સાઇફર્ટની ૩૮ બૉલમાં ૭ સિક્સર અને ૪ ફોરની ધમાકેદાર ઇનિંગ્સના જોરે સુપર જાયન્ટ્સે ૯૮ બૉલમાં પાંચ વિકેટ ગુમાવીને વિજય મેળવી લીધો હતો. સાઇફર્ટ ફાઇનલનો મૅન ઑફ ધ મૅચ ઉપરાંત આ સીઝનમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનીને છવાઈ ગયો હતો. 
IPLની ફ્રૅન્ચાઇઝીઓ મુંબઈ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સે આ સીઝનમાં ધ હન્ડ્રેડની ટીમો ખરીદી હતી. પહેલી જ સીઝનમાં સુપર જાયન્ટ્સની ટીમ વિજેતા બની હતી, જ્યારે સનરાઇઝર્સની ટીમ એલિમિનેટરમાં હારીને ત્રીજા સ્થાને રહી હતી, મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચોથા ક્રમાંકે રહી હતી. 

સંજીવ ગોયનકાને આખરે મળી ખુશી

IPLમાં ૭ અને સાઉથ આફ્રિકન લીગમાં ૪ સીઝન સુધી સંઘર્ષ કર્યા છતાં સફળતા માટે તરસનાર સુપર જાયટ્ન્સ ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયનકાને આખરે ટ્રોફી હાથ લાગતાં ખૂબ જ ખુશ થયા હતા અને સોશ્યલ મીડિયામાં એક ભાવુક મેસેજ પોસ્ટ કર્યો હતો. 

મહિલાઓમાં સનરાઇઝર્સની ટીમ રનર-અપ

પુરુષોમાં હારનાર ટ્રેન્ટ રૉકેટ્સની ટીમ જોકે મહિલાઓમાં ચૅમ્પિયન બની હતી. તેમણે વનસાઇડેડ ફાઇનલમાં સનરાઇઝર્સ ફ્રૅન્ચાઇઝીની ટીમ સનરાઇઝર્સ લીડ્સને ૮ વિકેટથી પરાજિત કરી હતી. સનરાઇઝર્સ વતી રમનાર દીપ્તિ શર્માએ ફાઇનલમાં ૧૬ બૉલમાં ૧૨ રન બનાવ્યા હતા અને બોલિંગ નહોતી કરી.

lucknow super giants manchester mumbai indians sunrisers hyderabad cricket news sports news sports