✕

ઇન્ડિયા A સામે ૧૩ રને ૩ વિકેટ ગુમાવ્યા પછી ન્યુ ઝીલૅન્ડ A ટીમે ૨૦૫ રનની ભાગીદારી કરી

02 November, 2026 02:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન ધ્રુવ જુરેલની સદીના આધારે ભારતે પહેલી ઇનિંગ્સમાં ૩૪૬ રન કર્યા

મૅથ્યુ બૉયલે ૧૪૮ બૉલમાં અણનમ ૧૦૭ રન ફટકાર્યા હતા.

ક્રાઇસ્ટચર્ચમાં ઇન્ડિયા A સામેની બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના બીજા દિવસે યજમાન ટીમે શાનદાર કમબૅક કર્યું હતું. ૨૯૧-૭ના સ્કોરથી બીજા દિવસની શરૂઆત કરનાર ઇન્ડિયા A ટીમે આઠમી વિકેટની ૭૫ રનની ભાગીદારીને આધારે પહેલી ઇનિંગ્સમાં ૧૦૨.૪ ઓવરમાં ૩૪૬-૧૦નો સ્કોર કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડ A ટીમે આઠ ઓવરમાં ૧૩ રને ત્રણેય ટૉપ ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવ્યા પછી ચોથી વિકેટની ૨૦૫ રનની પાર્ટનરશિપના સહારે ૬૨ ઓવરમાં ૨૧૮-૩નો સ્કોર કર્યો હતો.
ભારતના કૅપ્ટન ધ્રુવ જુરેલે ૧૭૧ બૉલમાં ૧૧ ફોર, ૩ સિક્સના આધારે ૧૦૫ રન કરીને આઠમી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ સદી નોંધાવી હતી. નવમા ક્રમે રમવા આવેલા આકાશ દીપે ૧૦ ફોર, ૨ સિક્સ ફટકારીને ૧૧૬ બૉલમાં ૬૮ રન કર્યા હતા.બન્નેએ આઠમી વિકેટ માટે ૧૪૨ બૉલમાં ૭૫ રનની પાર્ટનરશિપ કરી હતી.ફાસ્ટ બોલર ફ્રેઝર શીટે ૨૪ ઓવરમાં ૬૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી. 
શરૂઆતના ધબડકા પછી ચોથી વિકેટ માટે મૅથ્યુ બૉયલ અને ડીન ફૉક્સફ્રૉફ્ટે ૩૨૭ બૉલમાં ૨૦૫ રનની ભાગીદારી કરી હતી. મૅથ્યુ બૉયલે ૧૪૮ બૉલમાં અણનમ ૧૦૭ રન અને ડીન ફૉક્સફ્રૉફ્ટે ૧૮૦ બૉલમાં નૉટઆઉટ ૮૦ રન કર્યા હતા. ફાસ્ટ બોલર મુકેશ કુમારે બે વિકેટ અને મોહમ્મદ સિરાજે ૧ વિકેટ લીધી હતી.

new zealand team india test cricket indian cricket team sports news sports cricket news