વન-ડે ક્રિકેટ : ૫૦૦૦ મૅચની સિદ્ધિ મેળવનાર પહેલું ફૉર્મેટ

09 August, 2026 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત સૌથી વધુ ૧૦૮૧ વન-ડે રમ્યું, હમણાં સુધી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૪૦૫૮ T20 અને ૨૬૨૯ ટેસ્ટ-મૅચ રમાઈ છે

પ્રતીકાત્મક તસવીર

મેન્સ ક્રિકેટે ૫૦૦૦ વન-ડે મૅચનો ઐતિહાસિક સીમાચિહ્‍ન પૂરું કર્યું છે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ટૂ દરમ્યાન સ્કૉટલૅન્ડ અને કૅનેડા વચ્ચે રમાયેલી મૅચ ઐતિહાસિક ૫૦૦૦મી વન-ડે મૅચ બની હતી. શુક્રવારની આ મૅચમાં ૨૮૧/૭નો સ્કોર ડિફેન્ડ કરીને સ્કૉટલૅન્ડે ૯ રને જીત નોંધાવી હતી. 
પહેલવહેલી વન-ડે મૅચ ૧૯૭૧માં પાંચ જાન્યુઆરીએ મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ હતી. આ મૅચમાં ઇંગ્લૅન્ડનો ૧૯૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે જીત નોંધાવી હતી. ખરેખર તો બન્ને ટીમો વચ્ચે ટેસ્ટ-મૅચ રમાવાની હતી પણ વરસાદને કારણે ત્રણ દિવસ ધોવાયા હોવાથી ૪૦-૪૦ ઓવરની અને દરેક ઓવરમાં ૮ બૉલવાળી મૅચ રમાડવામાં આવી હતી. 
વન-ડે ક્રિકેટના પંચાવન વર્ષમાં ૨૯ દેશોએ ભાગ લઈને એને ૫૦૦૦ મૅચની સિદ્ધિ મેળવનાર ક્રિકેટનું પહેલું ફૉર્મેટ બનાવ્યું છે. ૧૮૭૭માં શરૂ થયેલા ટેસ્ટ-ફૉર્મેટમાં હજી ૨૬૨૯ મૅચ રમાઈ છે. ૨૦૦૪માં શરૂ થયેલા T20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં ૪૦૫૮ મૅચ રમાઈ છે. 
મેન્સ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ૧૦૮૧ મૅચ ભારત દેશે રમી છે. સૌથી વધુ ૬ વર્લ્ડ કપ જીતનાર ઑસ્ટ્રેલિયા આ ફૉર્મેટમાં ૧૦૨૫ મૅચમાંથી સૌથી વધુ ૬૧૯ મૅચ જીતવાનો રેકૉર્ડ ધરાવે છે. ભારતના સચિન તેન્ડુલકરે સૌથી વધુ ૧૮,૪૨૬ રન કર્યા છે અને શ્રીલંકાના મુથૈયા મુરલીધરને સૌથી વધુ ૫૩૪ વિકેટ લીધી છે. 

one day international odi cricket news australia india sports news sports