03 October, 2026 03:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફઝલહક ફારુકી
અફઘાનિસ્તાનના ૨૬ વર્ષના ડાબા હાથના ફાસ્ટ બોલર ફઝલહક ફારુકીને MI એમિરેટ્સે રેકૉર્ડ બોલી સાથે સતત પાંચમી ILT20 સીઝન માટે ટીમમાં સામેલ કર્યો છે. છેલ્લી ૪ સીઝનમાં ફઝલહક ફારુકીએ આ ટીમ માટે ૪૦ મૅચમાં ૬૪ વિકેટ લીધી હતી.
MI એમિરેટ્સે ઑક્શનમાં ફઝલહક ફારુકીને ૩.૩૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ ૨૦૨૫માં વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર-બૅટર આન્દ્રે ફ્લેચર પર MI એમિરેટ્સે આશરે ૨.૫૦ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ વખતની હરાજીમાં આન્દ્રે ફ્લેચરને અબુ ધાબી નાઇટ રાઇડર્સે માત્ર ૩૮.૫૨ લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
અબુ ધાબી નાઇટ રાઇડર્સે પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકને સામેલ કર્યો છે. એના સિવાયના પાકિસ્તાની પ્લેયર્સ બાબર આઝમ, શાદાબ ખાન, ફખર ઝમાન અને નસીમ શાહને અમેરિકન ઉદ્યોગપતિ અબ્રાહમ ગ્લેઝરની માલિકીની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ડેઝર્ટ વાઇપર્સે બોલી લગાવીને ખરીદ્યા છે.
ભારતનો ભૂતપૂર્વ ઇન્ટરનૅશનલ વિકેટકીપર-બૅટર વધુ સારી ક્રિકેટ-કરીઅર માટે દુબઈ ગયો છે. જોકે આ ઑક્શનમાં કે.એસ. ભરત માટે કોઈ બિડ ન હતી. તેણે ઑક્શનમાં સ્થાનિક વિકેટકીપર-બૅટ્સમેન તરીકે પોતાની નોંધણી કરાવી હતી. તેણે ઑક્શન પહેલાં ILT20 ડેવલપમેન્ટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.