મુંબઈએ આજે ઘાયલ રોહિત શર્મા સાથે અણનમ પંજાબને રોકવું પડશે

16 April, 2026 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્જરીને લીધે બે મૅચ નહીં રમી શકવાની ચર્ચાઓ વચ્ચે હિટમૅને નેટ્સમાં પ્રૅક્ટિસ કરી એટલે કદાચ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમે એવી શક્યતાઃ એકમાત્ર શ્રેયસ ઐયરની સેના જ આ સીઝનમાં હજી સુધી હારી નથી

વાનખેડેમાં ગઈ કાલે પ્રૅક્ટિસ કરી રહેલો મુંબઈનો ઓપનર રોહિત શર્મા અને ગઈ કાલે વાનખેડેમાં પ્રૅક્ટિસ દરમ્યાન પંજાબનો કોચ રિકી પૉન્ટિંગ અને કૅપ્ટન શ્રેયસ ઐયર.તસવીરો : આશિષ રાજે

વાનખેડે સ્ટેડિયમમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની ૨૪મી મૅચ રમાશે. ૧૩ સીઝન બાદ સીઝનની પ્રથમ મૅચમાં વિજય મેળવીને શુભ શરૂઆત કર્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સ બીજી જીત માટે ફાંફાં મારી રહી છે. દિલ્હી, રાજસ્થાન અને બૅન્ગલોર સામે ફસડાઈને હારની હૅટ-ટ્રિક જોયા બાદ હવે પાંચ વખતની ચૅમ્પિયન ટીમને વધુ હાર પરવડી શકે એમ નથી.

મુંબઈને આજે જીતવું જરૂરી છે ત્યારે ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્માની ઇન્જરીએ ટેન્શન વધારી દીધું છે. એકાદ-બે મૅચ નહીં રમી શકે એવી ચર્ચા વચ્ચે જોકે ગઈ કાલે તેણે નેટ્સમાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરીને ચાહકોનું અને ટીમ-મૅનેજમેન્ટનું ટેન્શન થોડુંક ઓછું કરી દીધું હતું. ચર્ચા પ્રમાણે રોહિતને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આજે ટીમમાં સામેલ કરવામાં આવશે અને માત્ર બૅટિંગ માટે જ તે મેદાનમાં ઊતરશે. ગઈ કાલે લખનઉ સામે બૅન્ગલોરે પણ વિરાટ કોહલીને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કર્યો હતો.

દિલ્હી, રાજસ્થાન અને છેલ્લે બૅન્ગલોર સામે હાર બાદ મુંબઈનું મૅનેજમેન્ટ સાવધ થઈ ગયું છે અને ટીમની ખામીઓ દૂર કરવા કામે લાગી ગયું છે.  મુંબઈની હારનું મુખ્ય કારણ બૉલ અને બૅટ વડે પાવરપ્લેમાં નબળું પ્રદર્શન છે. ટૉપ ઑર્ડર બૅટરો કે બોલરો કોઈ ટીમને મજબૂત શરૂઆત આપવામાં સફળ નથી થઈ રહ્યું. મેઇન બોલર જસપ્રીત બુમરાહ તો હજુ સુધી વિકેટનું ખાતું પણ ખોલી નથી શક્યો. બીજી તરફ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા નિરાશ જ કરી રહ્યા છે. આ ઉપરાંત T20 વર્લ્ડ કપનો સ્ટાર અને ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર વિલ જૅક હજુ સુધી ઉપલબ્ધ નથી. બીજી તરફ પંજાબ કિંગ્સને માહિર કૅપ્ટન શ્રેયસ ઐયર ગઈ સીઝનની જેમ જ એક મજબૂત ટીમ તરીકે સ્થાપિત કરવામાં સફળ રહ્યો છે. આ સીઝનમાં પંજાબ જ એકમાત્ર એવી ટીમ છે જે હજુ સુધી એક પણ મૅચમાં હારી નથી. એણે ચારમાંથી ત્રણમાં જીત મેળવી છે અને એક વરસાદે ધોઈ નાખી હતી. 

મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

૩૪

મુંબઈની જીત

૧૭

પંજાબની જીત

સુનીલ છેત્રી મુંબઈના ખેલાડીઓને મળ્યો

ભારતનો ભૂતપૂર્વ ફુટબૉલર સુનીલ છેત્રી મંગળવારે વાનખેડેમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મુંબઈના ખેલાડીઓને મળ્યો હતો. છેત્રીએ મુંબઈના કોચ માહેલા જયવર્દને, બોલર શાર્દૂલ ઠાકુર અને દીપક ચાહર ઉપરાંત કૅપ્ટન હાર્દિક પંડ્યા સાથે ઘણીબધી વાતો કરી હતી. હાર્દિકે તેને છેત્રી લખેલું મુંબઈ ઇન્ડિયન્સનું ટી-શર્ટ ગિફ્ટમાં આપ્યું હતું. તેણે આ ટી-શર્ટ પહેરીને ફોટો પણ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. ટી-શર્ટની પાછળ બુમરાહ અને રોહિત શર્માના ઑટોગ્રાફે ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

IPL 2026 mumbai indians punjab kings Sunil Chhetri rohit sharma sports news sports cricket news