19 April, 2025 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ, વરુણ ચક્રવર્તી
ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મૅચમાં વિવાદાસ્પદ નો-બૉલની ઘટના બની હતી. મુંબઈની બૅટિંગ સમયે સાતમી ઓવરમાં સ્પિનર ઝીશાન અન્સારીની બોલિંગ સામે ઓપનર રાયન રિકલ્ટન કૅચઆઉટ થયો હતો, પણ હૈદરાબાદના વિકેટકીપર હેન્રિક ક્લાસેનના ટેક્નિકલ ઉલ્લંઘનને કારણે નૉટઆઉટ આપવામાં આવ્યો હતો. બૅટર શૉટ મારે એ પહેલાં વિકેટકીપરનાં ગ્લવ્ઝનો કેટલોક ભાગ સ્ટમ્પ્સની આગળ જોવા મળ્યો હતો જેને કારણે આ બૉલ નો-બૉલ જાહેર થયો અને મુંબઈને ફ્રી-હિટ મળી હતી.
મૅચ દરમ્યાન જ કોલકાતા નાઇટ રાઇડર્સના સ્પિનર વરુણ ચક્રવર્તીએ આ નિયમનો જાહેરમાં વિરોધ કરીને બોલર્સ માટે અવાજ ઉઠાવ્યો હતો. તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘જો કીપરનાં ગ્લવ્ઝ સ્ટમ્પ્સની સામે આવે છે તો એને ડેડ બૉલ ગણવો જોઈએ અને કીપરને ચેતવણી આપવી જોઈએ કે તે ફરીથી આવું ન કરે. નો-બૉલ અને ફ્રી-હિટ ન આપો. બોલરનો શું વાંક?’