‘મિડ-ડે કપ’નો સ્ટાર ક્રિકેટર ઇન્ટરનેશનલમાં પણ ચમક્યો

26 October, 2021 04:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કચ્છી કડવા પાટીદારનો દિનેશ નાકરાણી બે રીતે વિશ્વભરના તમામ ટી૨૦ બોલરોમાં મોખરે

દિનેશ નાકરાણી

ક્રિકેટની રમતમાં અનેક નાના દેશો પ્રવેશી રહ્યા છે અને ચમકી પણ રહ્યા છે અને આ મોટા ભાગના નવા દેશોની ટીમમાં ગુજરાતી ખેલાડીઓ પોતાના સુપર્બ પર્ફોર્મન્સના આધારે સામેલ છે. ગુજરાતીઓ અને કચ્છીઓ વિશ્વના

ખૂણે-ખૂણે પહોંચી ગયા છે અને ક્રિકેટના ટચૂકડા દેશોની ટીમોને પણ પોતાની કાબેલિયતથી પ્રભાવિત કરી ચૂક્યા છે. ક્રિકેટજગતમાં યુગાન્ડા આવો જ એક નાનો દેશ છે જેનો મૂળ કચ્છનો ખેલાડી અને ‘મિડ-ડે કપ’ની કચ્છી કડવા પાટીદાર ટીમનો સ્ટાર ઑલરાઉન્ડર દિનેશ મગન નાકરાણી આજકાલ ટી૨૦ ઇન્ટરનેશનલ્સમાં ખૂબ ઝળકી રહ્યો છે.

પુરુષોના આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટેનો સબ-રીજનલ આફ્રિકા ક્વૉલિફાઇંગ રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે જેમાં યુગાન્ડાની ટીમના ૩૦ વર્ષના ઑલરાઉન્ડર દિનેશ નાકરાણીએ લેફ્ટ આર્મ પેસ બોલિંગના પાવરથી આ ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટના બીજા બધા આફ્રિકન બોલરોને ઝાંખા પાડી દીધા છે. ૬ મૅચમાં તેણે લીધેલી ૨૧ વિકેટ તમામ બોલરોમાં હાઇએસ્ટ છે. એટલું જ નહીં, તમામ બોલરોની બેસ્ટ

બોલિંગમાં ૪-૧-૭-૬ સાથે મોખરે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે ટી૨૦ ઇન્ટરનૅશનલ્સની બોલિંગમાં તેની આ ઍનૅલિસિસ અત્યારે ભારતના દીપક ચાહર (૩.૨-૦-૭-૬) પછી બીજા સ્થાને છે. શ્રીલંકાનો જાણીતો સ્પિનર અજંથા મેન્ડિસ (૪-૨-૮-૬) આપણા નાકરાણી પછી ત્રીજા ક્રમે છે. નાકરાણી સૌરાષ્ટ્રની ટીમ વતી રમી ચૂક્યો છે.

૨૦૨૧ની ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં નાકરાણીએ ૧૬ મૅચમાં લીધેલી કુલ ૩૧ વિકેટ વિશ્વના તમામ વર્તમાન બોલરોમાં હાઇએસ્ટ છે. સાઉથ આફ્રિકાનો ટબ્રેઝ શમ્સી (૨૯ વિકેટ) બીજા નંબરે છે. એક સમયનો નંબર-વન બોલર શાકિબ-અલ-હસન ૨૩ વિકેટ સાથે છેક આઠમા નંબરે છે. નાકરાણી ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં કુલ ૨૦ મૅચ રમ્યો છે, જેમાં તેણે ૩૬ વિકેટ લેવા ઉપરાંત ૨૦૬ રન બનાવ્યા છે.

sports sports news cricket news