બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૧૮ વિકેટ પડી ઑસ્ટ્રેલિયા-બંગલાદેશની

23 August, 2026 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બંગલાદેશને ૬૪ રનમાં તંબુભેગું કરીને કાંગારૂઓએ ૧૬૫/૮ના સ્કોર સાથે ૧૦૧ રનની લીડ મેળવી : બન્ને ટીમના પેસ બોલરોએ તરખાટ મચાવીને ૬-૬ વિકેટ લીધી

મિચલ સ્ટાર્ક અને શોરીફુલ ઇસ્લામ

મકાય ગઈ કાલે ઑસ્ટ્રેલિયાનું બારમું મેન્સ ટેસ્ટ-વેન્યુ બન્યું. ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશની આ બીજી ટેસ્ટ-મૅચના પહેલા જ દિવસે ૧૮ વિકેટ પડી હતી. ટૉસ હારીને પહેલા બૅટિંગ કરનાર બંગલાદેશી ટીમ ૩૪ ઓવરમાં ૬૪ રન કરીને ઑલઆઉટ થઈ હતી. પહેલા દિવસના અંત સુધી ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં ૪૦ ઓવરની રમતમાં ૧૬૫-૮નો સ્કોર કર્યો હતો. 
૬.૪  ઓવરમાં માત્ર ૧૨ રનના સ્કોર પર બંગલાદેશની અડધી ટીમ તંબુભેગી થઈ ગઈ હતી.
યજમાન ઑસ્ટ્રેલિયા માટે ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ૧૨ રનમાં ૬ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. પોતાના ૧૦ ઓવરના સ્પેલમાંથી તેણે ૬ ઓવર મેઇડન કરી હતી. કૅપ્ટન પૅટ કમિન્સે પચીસ રન આપીને ત્રણ વિકેટ અને જૉશ હેઝલવુડે ૧૮ રન આપીને એક વિકેટ લીધી હતી. 
ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં ૭.૫ ઓવરમાં ૪૧ રનના સ્કોર પર ત્રણેય ટૉપ-ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા ક્રમે રમવા આવેલા સ્ટીવ સ્મિથે ૭૪ બૉલમાં ૪૨ રન કર્યા હતા. કૅમરન ગ્રીન ૮૧ બૉલમાં ૫૧ રન કરીને અણનમ રહ્યો હતો.
શોરીફુલ ઇસ્લામે ૧૧ ઓવરમાં ૩૫ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર તસ્કિન અહમદ અને સ્પિનર મેહદી હસન મિરાઝને એક-એક વિકેટ મળી હતી. પહેલી ટેસ્ટ-મૅચમાં નવ વિકેટની જીત સાથે બંગલાદેશ આ સિરીઝમાં ૧-૦થી આગળ છે. 

4

આટલી વખત ટેસ્ટ-મૅચના પહેલા બૉલે વિકેટ લેનાર પહેલો બોલર બન્યો મિચલ સ્ટાર્ક.

9

ટેસ્ટ-મૅચની પહેલી ઓવરમાં સૌથી વધુ આટલી વખત વિકેટ લેવાની સિદ્ધિ મેળવી મિચલ સ્ટાર્કે.

ટેસ્ટ-ક્રિકેટના હાઇએસ્ટ વિકેટટેકર્સમાં સામેલ થયો મિચલ સ્ટાર્ક

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન (૯૩ મૅચમાં ૪૩૯ વિકેટ)ને પછાડીને મિચલ સ્ટાર્ક ટેસ્ટ-ક્રિકેટના હાઇએસ્ટ વિકેટટેકર્સના ટૉપ ટેનની લિસ્ટમાં સામેલ થયો છે. મિચલ સ્ટાર્કે ૧૦૭ ટેસ્ટ-મૅચમાં ૪૪૧ વિકેટ ઝડપીને ૧૦મો ક્રમ મેળવ્યો છે. ટૉપ ટેનના લિસ્ટમાં તેના સિવાય સ્પિનર નૅથન લાયન જ હાલમાં ઍક્ટિવ પ્લેયર છે.  

૭૫ વર્ષે ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૬-૬ વિકેટ લેવાનો રેકૉર્ડ બન્યો

ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક અને બંગલાદેશના શોરીફુલ ઇસ્લામે બીજી મૅચના પહેલા દિવસે ૬-૬ વિકેટ લઈને મોટી સિદ્ધિ મેળવી હતી. ૭૫ વર્ષે ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૬-૬ વિકેટ લેનારી જોડી જોવા મળી છે. 

test cricket cricket news australia bangladesh sports news sports