18 July, 2026 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધનાને બે-ત્રણ વર્ષ પહેલાં વન-ડે ટીમની કૅપ્ટન્સી આપી દેવી જોઈતી હતી : મિતાલી રાજ
ભારતની વિમેન્સ ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજે ટીમની નવી કૅપ્ટન અને ભવિષ્યના રોડમૅપ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મિતાલી રાજ કહે છે, ‘સ્મૃતિ માન્ધનાને બે-ત્રણ વર્ષ પહેલાં વન-ડે ટીમની કૅપ્ટન્સી આપી દેવી જોઈતી હતી. તેનો અનુભવ જોતાં હજી પણ મોડું નથી થયું, તેને વન-ડે સાથે ટેસ્ટ-ટીમની પણ કૅપ્ટન્સી આપી શકાય છે. કદાચ T20 કૅપ્ટન્સી કોઈ યંગ ખેલાડીને આપી શકાય. મને લાગે છે કે શફાલી વર્માને આ જવાબદારી સોંપી શકાય છે. તેણે ૨૦૨૩માં ભારતની અન્ડર-19 ટીમને કૅપ્ટન તરીકે વર્લ્ડ કપ જિતાડી આપ્યો હતો. આપણી પાસે કોઈ રોડમૅપ નથી. આપણે બે વર્ષ આગળ વિચારતા નથી કે ભારતીય ટીમ ક્યાં હશે. આપણે ફક્ત એક સિરીઝથી બીજી સિરીઝ સુધી વિચારીએ છીએ. આપણી પાસે લાંબા ગાળાની યોજના નથી.
વર્તમાન કૅપ્ટનની ફિટનેસ પર નજર રાખવી પડશે. છેલ્લાં બે કે ત્રણ વર્ષોમાં તમે જોયું હશે કે જ્યારે પણ હરમન રમે છે ત્યારે ફિઝિયો ઘણી વાર તેની સાથે મેદાન પર હોય છે. કેટલીક મૅચો એવી હતી જ્યારે તે ઉપલબ્ધ નહોતી. કમનસીબે ઉંમર સાથે દરેક વ્યક્તિ બદલાય છે તેથી તે હવે એટલી ફિટ નથી.
- મિતાલી રાજ
કેવો રહ્યો છે કૅપ્ટન હરમનપ્રીત કૌરનો રેકૉર્ડ?
હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારત પાંચ ટેસ્ટ-મૅચમાંથી ચારમાં જીત્યું છે અને એક મૅચમાં હાર મળી હતી. વન-ડેમાં તેણે ૫૧ મૅચમાંથી ૩૦ મૅચમાં જીત અપાવી છે, ૧૯ મૅચમાં હાર મળી હતી, એક મૅચ ટાઇ રહી અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતે વન-ડે વર્લ્ડ કપ 2025 રૂપે પોતાનો પહેલો વિમેન્સ વર્લ્ડ કપ જીત્યો હતો. કૅપ્ટન તરીકે તેણે ૧૪૭ T20 મૅચમાંથી ૮૪ મૅચમાં જીત અપાવી છે, ૫૭ મૅચમાં હાર મળી છે, જ્યારે ૬ મૅચ નો-રિઝલ્ટ રહી છે.
ઇંગ્લૅન્ડ ટૂર પરથી ઘરે પાછી આવેલી ભારતીય મહિલા કૅપ્ટન હરમનપ્રીત કૌર પોતાના બે પેટ ડૉગ સાથે રમતી જોવા મળી.