IPLના સંઘર્ષને કારણે કેટલાક ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાંથી સ્થાન ગુમાવી શકે છે

19 May, 2026 02:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અહેવાલ અનુસાર હર્ષિત રાણા, રિષભ પંત, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાનાં ટીમમાં સ્થાન હાલમાં જોખમમાં છે.

વરુણ ચક્રવર્તી, સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની વિજેતા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના IPL 2026માંના પ્રદર્શન પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. શરૂઆતના સંઘર્ષ બાદ ભારતીય સ્ક્વૉડના મોટા ભાગના ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે ૨૦૨૮ના T20 વર્લ્ડ કપ અને ઑલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને કેટલાક ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાંથી સ્થાન ગુમાવી શકે છે. હાલના T20ના પ્રદર્શનને જોતાં ટીમ ઇન્ડિયાની T20 ટીમમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, ઑલરાઉન્ડર શિવમ દુબે અને સ્પિનર વરુણ ચક્રવર્તીનું સ્થાન ખતરામાં છે. હમણાં સુધીની ટુર્નામેન્ટમાં સૂર્યાએ ૧૧ ઇનિંગ્સમાં ૧૭.૭૩ના ઍવરેજથી ૧૯૫ રન કર્યા છે. શિવમ દુબેએ ૧૨ મૅચમાં ૩૭.૧૬ની ઍવરેજથી ૨૨૩ રન કરીને એક વિકેટ પણ લીધી છે. વરુણ ચક્રવર્તીએ ૯ મૅચમાં ૯ના ઇકૉનૉમી-રેટથી રન આપીને ૧૦ વિકેટ લીધી છે.

અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે આજે થશે ટીમ-સિલેક્શન 

IPL 2026 બાદ ભારતીય મેન્સ ટીમ ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે પહેલી સિરીઝ રમશે. આ સિરીઝમાં ૬થી ૨૦ જૂન દરમ્યાન એક ટેસ્ટ-મૅચ અને ત્રણ વન-ડે મૅચ રમાશે. અહેવાલો અનુસાર આજે ૧૯ મેએ નૅશનલ સિલેક્શન કમિટી ગુવાહાટીમાં આ બન્ને ફૉર્મેટની ટીમ માટે પ્લેયર્સ સિલેક્ટ કરવા બેઠક કરશે. આ અઠવાડિયામાં બન્ને ફૉર્મેટની સ્ક્વૉડ જાહેર થઈ શકે છે. શુભમન ગિલની આગેવાની હેઠળની આ બન્ને ટીમમાં કોનો સમાવેશ થશે અને કોનો નહીં થાય એ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. વર્કલોડ મૅનેજમેન્ટ હેઠળ જસપ્રીત બુમરાહને ટેસ્ટ-મૅચમાં આરામ આપીને આકિબ નબીને પહેલી વખત ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. ટેસ્ટ અને વન-ડેમાંથી કઈ સ્ક્વૉડમાં મોહમ્મદ શમીને સ્થાન મળી શકે છે એના પર પણ નજર રહેશે. અહેવાલ અનુસાર હર્ષિત રાણા, રિષભ પંત, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાનાં ટીમમાં સ્થાન હાલમાં જોખમમાં છે. 

IPLમાં યંગ પ્લેયર્સની ફીલ્ડિંગ જોઈને મને ખૂબ દુ:ખ થયું : મોહમ્મદ કૈફ

રવિવારે દિલ્હી કૅપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સની ટક્કરમાં પણ કૅચ ડ્રૉપ થવાને કારણે મૅચના રિઝલ્ટ બદલાતાં જોવા મળ્યાં હતાં. દિલ્હીએ વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ અને રિયાન પરાગના કૅચ ડ્રૉપ કર્યા હતા જ્યારે રાજસ્થાને મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમનાર કે.એલ.રાહુલનો મહત્ત્વપૂર્ણ કૅચ ડ્રૉપ કર્યો હતો. વર્તમાન સીઝનમાં ૨૬ જેટલા સૌથી વધુ કૅચ સનરાઇઝર્સ હૈદરાબાદે છોડ્યા છે. ગુજરાત ટાઇટન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ પણ ૨૦ કે એથી વધુ કૅચ ડ્રૉપ કરનાર ટીમોમાં સામેલ છે. ઘણી ટીમો માટે ફીલ્ડિંગ કોચની ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘આ IPLમાં ફીલ્ડિંગ જોવાનું ખૂબ જ પીડાદાયક રહ્યું છે. દિલ્હી-રાજસ્થાનની મૅચમાં યશરાજ પુંજાએ કે.એલ. રાહુલનો કૅચ તે શૂન્ય પર હતો ત્યારે છોડી દીધો. વૈભવ સૂર્યવંશીએ પણ મિસફીલ્ડિંગ કરી. આ સીઝનમાં આ યુવા ખેલાડીએ એક પણ કૅચ લીધો નથી. ભારત માટે રમતી વખતે તેમણે મેદાન પર વધુ ચપળ રહેવાની જરૂર પડશે. કોચનું કર્તવ્ય છે કે તે યુવા ખેલાડીઓને ફીલ્ડિંગનું કૌશલ્ય શીખવે.ખેલાડીઓએ પોતે ફીલ્ડિંગનો આનંદ માણવો જોઈએ અને એના પર ગર્વ લેવો જોઈએ.’

indian cricket team IPL 2026 mohammed kaif shubman gill ravindra jadeja shivam dube suryakumar yadav varun chakaravarthy sports news sports cricket news