13 January, 2026 04:41 PM IST | Dhaka | Gujarati Mid-day Online Correspondent
બંગલાદેશ પ્રીમિયર લીગમાં એક ટીમ માટે રમીને મોહમ્મદ નબી અને દીકરાએ ઇતિહાસ રચ્યો
અફઘાનિસ્તાનના ૪૧ વર્ષના ઑલરાઉન્ડર મોહમ્મદ નબીના ૧૯ વર્ષના દીકરા હસન ઇસાખિલે બંગલાદેશ પ્રીમિયર લીગ (BPL)માં ડેબ્યુ કર્યું હતું. તે પણ પપ્પા મોહમ્મદ નબીની ટીમ નોઆખલી એક્સપ્રેસ માટે રમ્યો હોવાથી નવો ઇતિહાસ રચાયો હતો. ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં એક જ ટીમ માટે સાથે રમનાર તેઓ બાપ-દીકરાની પ્રથમ જોડી બન્યા છે.
ઓપનર તરીકે ઊતરીને હસન ઇસાખિલે ૬૦ બૉલમાં ૭ ફોર અને પાંચ સિક્સની મદદથી ૯૨ રન ફટકાર્યા હતા. નબીએ પાંચમા ક્રમે રમીને ૧૩ બૉલમાં બે ફોરની મદદથી ૧૭ રન કર્યા હતા. બન્નેએ ચોથી વિકેટ માટે ૫૩ રનની ભાગીદારી કરી હતી. નોઆખલી એક્સપ્રેસના ૧૮૪-૭ના સ્કોર સામે ૧૮.૨ ઓવરમાં ૧૪૩ રને ઢેર થઈને ઢાકા કૅપિટલ્સ હારી હતી.