08 July, 2025 09:29 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
ફૅમિલી સાથે મહેન્દ્ર સિંહ ધોનીની યુનિક કેક.
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગઈ કાલે ૪૪ વર્ષનો થયો એના એક દિવસ પહેલાંથી તેના ક્રિકેટ-ફૅન્સે મોટા કટઆઉટ, કેક-કટિંગ, રૅલીઓ કાઢી અને સામાજિક કાર્ય કરીને તેના વર્ષગાંઠની ઉજવણી કરી હતી. જોકે તેણે ઝારખંડ ક્રિકેટ અસોસિએશનમાં પોતાના રેગ્યુલર વર્કઆઉટ ટાઇમ પર નજીકના મિત્રોનો આગ્રહ માનીને સાદગીથી કેક-કટિંગ કર્યું હતું.
સોશ્યલ મીડિયા પર તેનો અને પત્ની સાક્ષી ધોનીનો ગઈ કાલનો એક વિડિયો પણ વાઇરલ થયો છે જેમાં ધોની અને સાક્ષી પોતાની કારમાં રાંચીસ્થિત ફાર્મ હાઉસથી બહાર આવી રહ્યાં હતાં ત્યારે તેમના ઑલમોસ્ટ ૧૦૦ જેટલા ફૅન્સે તેમને ઘેરી લીધા હતા. આટલા ફૅન્સને જોઈને આગળની સીટ પર બેઠેલાં બન્ને ચોંકી ગયાં હતાં. ડ્રાઇવિંગ કરી રહેલા ધોનીની વિનંતી બાદ ફૅન્સે તેની કારને આગળ જવા રસ્તો આપ્યો હતો. ધોનીની એક ઝલક મેળવીને તમામ ફૅન્સ ખુશ જોવા મળ્યા હતા.