✕

IPLમાં ક્રિકેટર ધોનીના યુગનો અંત, મેન્ટર ધોનીના યુગનો પ્રારંભ

18 November, 2026 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન અને પ્લેયર તરીકે ધોની છેલ્લી IPL મૅચ ૨૦૨૫ની પચીસ મેએ ગુજરાત ટાઇટન્સ સામે રમ્યો હતો, ઇન્જરીઓને કારણે ૨૦૨૬ની આખી સીઝનમાં નહોતો રમ્યો.

એમ એસ ધોની

ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ લઈ લીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સે ૪૫ વર્ષના ધોનીને પોતાની ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કર્યો છે. હેડ કોચ ઝહીર ખાનની આગેવાની હેઠળના કોચિંગ સ્ટાફ સાથે ધોની હવે પ્લેયર્સને મેન્ટર તરીકે સલાહ-સૂચન આપશે.

૨૦૦૮થી ૨૦૧૫ અને ૨૦૧૮થી ૨૦૨૧ની સીઝનમાં ધોનીએ સતત ચેન્નઈની કમાન સંભાળી હતી. ૨૦૨૨થી ૨૦૨૫ વચ્ચે જ્યારે રવીન્દ્ર જાડેજાએ અધવચ્ચેથી કૅપ્ટન્સી છોડી અને ઋતુરાજ ગાયકવાડને ઇન્જરી થઈ ત્યારે ધોનીએ સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન તરીકે ફરી જવાબદારી સંભાળવી પડી હતી.

કૅપ્ટન અને પ્લેયર તરીકે ધોની છેલ્લી IPL મૅચ 2025ની પચીસ મેએ ગુજરાત ટાઇટન્સ સામે રમ્યો હતો. અમદાવાદની મૅચમાં ચેન્નઈએ ૨૩૦-૫ના સ્કોરની સામે ગુજરાતને ૧૮.૩ ઓવરમાં ૧૪૭ રનમાં ઑલઆઉટ કર્યું હતું. ધોનીને આ મૅચમાં બૅટિંગની તક મળી નહોતી. જોકે તેણે સાઈ કિશોરનો કૅચ પકડીને મૅચ સમાપ્ત કરી હતી.

૨૦૨૬માં અંગૂઠા, ઘૂંટણ સહિતના ભાગોમાં ઇન્જરીઓને કારણે ધોની આખી સીઝન રમી શક્યો નહોતો. ૨૦૨૦ની ૧૫ ઑગસ્ટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ છોડ્યા પછી ધોની માત્ર IPLમાં રમી રહ્યો હતો. એટલે કે IPLમાંથી એક ક્રિકેટર તરીકે ધોનીની ઇનિંગ્સ પૂરી થઈ છે અને મેન્ટર ધોની તરીકે નવી ઇનિંગ્સ શરૂ થઈ છે.

મહેન્દ્ર સિંહ ધોનીનો IPL રેકૉર્ડ

IPL 2008થી બે ટીમો માટે રમીને મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૭૮ મૅચોમાં અણનમ ૮૪ રનના હાઇએસ્ટ સ્કોર સહિત ૨૪ ફિફ્ટીની મદદથી ૫૪૩૯ રન કર્યા છે. તેણે ૩૭૫ ફોર અને ૨૬૪ સિક્સ ફટકારી હતી.

૨૦૧૬ અને ૨૦૧૭માં ધોની રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે  ૩૦ મૅચોમાં બે ફિફ્ટીની મદદથી ૫૭૪ રન ફટકારી ચૂક્યો હતો. ચેન્નઈ માટે તેણે ૨૪૮ IPL મૅચોમાં ૪૮૬૫ રન કર્યા હતા.

૨૦૧૦થી ૨૦૧૫ વચ્ચે રમાયેલી ચૅમ્પિયન્સ લીગ T20માં તેણે ચેન્નઈ માટે ૨૪ મૅચમાં ૪૪૯ રન કર્યા હતા. ચેન્નઈએ ધોનીની આગેવાનીમાં ૨૦૧૦ અને ૨૦૧૪માં આ ટુર્નામેન્ટ જીતી હતી.

એમ.એસ. ધોની વિના CSK કંઈ નથી : માલિક એન. શ્રીનિવાસન

ચેન્નઈ સુપર કિંગ્સના મુખ્ય માલિક એન. શ્રીનિવાસને ગઈ કાલે પોતાના નિવેદનમાં કહ્યું કે ‘એમ.એસ. ધોની વિના CSK કંઈ નથી. લગભગ બે દાયકાથી અમે જીત, હાર અને તમામ પ્રકારના ઉતાર-ચડાવમાં સાથે ચાલ્યા છીએ. અમે ક્યારેય એકબીજાના ઇરાદા પર પ્રશ્ન નથી ઉઠાવતા. આ વિશ્વાસે આ યાત્રા શક્ય બનાવી છે.’

એન. શ્રીનિવાસને વધુમાં કહ્યું કે ‘૨૦૦૮માં મેં આગ્રહ કર્યો હતો કે ધોની CSKનો ભાગ બને અને એ મારા દ્વારા લેવાયેલો શ્રેષ્ઠ નિર્ણય સાબિત થયો. ફક્ત એટલા માટે નહીં કે તેણે ટીમ માટે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, પરંતુ એટલા માટે કે તે એક અદ્ભુત માણસ છે. ધોની હંમેશાં અમારી ઓળખનો ભાગ રહેશે. આ હંમેશાં તેનું ઘર રહેશે.’

વિડિયો-કૉલ પર ધોનીએ પોતાને રિલીઝ કરવા આપ્યું હતું સૂચન

ચેન્નઈ ટીમના સહ-માલિક રૂપા ગુરુનાથે ખુલાસો કર્યો કે કઈ રીતે ધોનીએ પોતાને રિલીઝ કરવાનું સૂચન કર્યું. રૂપા ગુરુનાથે કહ્યું કે ‘ગયા શનિવારે વિડિયો-કૉલ દરમ્યાન ટીમના CEO કાશી વિશ્વનાથન રિલીઝ કરવામાં આવેલા પ્લેયર્સનું લિસ્ટ વાંચી રહ્યા હતા ત્યારે ધોનીએ શાંતિથી સૂચન કર્યું કે કદાચ તમારે આ લિસ્ટમાં મારું નામ ઉમેરવું જોઈએ. આ કહ્યા પછી થોડી વારમાં જ વિડિયો-કૉલ અચાનક ડિસ્કનેક્ટ થઈ ગયો.’

mahendra singh dhoni india team india ipl 2027 chennai super kings gujarat titans zaheer khan cricket news indian cricket team sports news sports ravindra jadeja ruturaj gaikwad