કૅપ્ટન ધોનીએ IPLમાં સૌથી મોટી ઉંમરે POTM અવૉર્ડ જીતવાનો ૧૧ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

17 April, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯ બાદ પહેલી વાર IPLમાં પ્લેયર આૅફ ધ મૅચ અવૉર્ડ જીત્યો ધોની. ધોનીએ ૧૧ બૉલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ ધમાકેદાર પ્રદર્શન બદલ તે પ્લેયર ઑફ ધ મૅચ (POTM) અવૉર્ડ જીત્યો હતો.

ધોનીએ પ્લેયર ઑફ ધ મૅચ જીત્યું

લખનઉના એકાના સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સને કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના શાનદાર પ્રદર્શનના આધારે જીતના ટ્રૅક પર પરત ફરવામાં સફળતા મળી હતી. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં વિકેટકીપિંગ દરમ્યાન એક કૅચ, એક સ્ટમ્પિંગ અને એક રનઆઉટ કર્યા બાદ સાતમા ક્રમે બૅટિંગ માટે આવી ધોનીએ ૧૧ બૉલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ ધમાકેદાર પ્રદર્શન બદલ તે પ્લેયર ઑફ ધ મૅચ (POTM) અવૉર્ડ જીત્યો હતો.

ધોનીએ IPLમાં છ વર્ષ બાદ POTM અવૉર્ડ પોતાના નામે કર્યો હતો. છેલ્લે તેણે એપ્રિલ ૨૦૧૯માં રાજસ્થાન રૉયલ્સ સામે ૫૮ રનની ઇનિંગ્સ રમીને આ અવૉર્ડ જીત્યો હતો. ૪૩ વર્ષ ૨૮૧ દિવસની ઉંમરે આ અવૉર્ડ જીતીને રાજસ્થાન રૉયલ્સના ભૂતપૂર્વ સ્પિનર પ્રવીણ તાંબેનો ૨૦૧૪નો POTM જીતનાર સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયરનો રેકૉર્ડ ધોનીએ તોડ્યો હતો.
IPLમાં રન-ચેઝ કરતા સમયે સૌથી વધુ ત્રીસમી વાર નૉટઆઉટ રહેવાનો રેકૉર્ડ ધરાવતો ધોની સાતમા કે એથી નીચેના ક્રમે બૅટિંગ કરીને POTM અવૉર્ડ જીતનાર IPLનો પહેલો કૅપ્ટન બન્યો છે. કૅપ્ટન તરીકે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૧૭ POTM અવૉર્ડ જીતવાનો રેકૉર્ડ તેણે જાળવી રાખ્યો છે. ભારતીય પ્લેયર્સ તરીકે સૌથી વધુ POTM અવૉર્ડ જીતવામાં તેણે રોહિત શર્મા (૧૯ અવૉર્ડ) બાદ વિરાટ કોહલી (૧૮ અવૉર્ડ)ની બરાબરી કરી છે. 

ધોની ૧૦ IPL ટીમ સામે POTM અવૉર્ડ જીતનાર પહેલો ભારતીય 
ધોની હવે ૧૦  IPL ટીમ સામે પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતનાર પહેલો ભારતીય બન્યો છે. સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સ (૧૨ ટીમ સામે) અને વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલ (૧૦ ટીમ સામે) આ પહેલાં આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ધોનીએ દિલ્હી કૅપિટલ્સ સામે ચાર, રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ત્રણ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ સામે બે-બે, જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પુણે વૉરિયર્સ ઇન્ડિયા, ડેક્કન ચાર્જર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે એક-એક વાર પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ પોતાને નામે કર્યો છે.

IPLમાં POTM જીતનાર સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર્સ

એમ. એસ. ધોની (૨૦૨૫)

૪૩ વર્ષ ૨૮૧ દિવસ

પ્રવીણ તાંબે (૨૦૧૪)

૪૩ વર્ષ ૬૦ દિવસ

શેન વૉર્ન (૨૦૧૧)

૪૧ વર્ષ ૨૨૩ દિવસ

ઍડમ ગિલક્રિસ્ટ (૨૦૧૩)

૪૧ વર્ષ ૧૮૧ દિવસ

ક્રિસ ગેઇલ (૨૦૨૦)

૪૧ વર્ષ ૮૫ દિવસ

16 - આટલામી વાર ચેન્નઈ માટે સૌથી વધુ પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતીને રવીન્દ્ર જાડેજાના રેકૉર્ડની બરાબરી કરી ધોનીએ. છ વર્ષ બાદ IPLમાં પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો ધોની.

ms dhoni mahendra singh dhoni chennai super kings lucknow super giants IPL 2025 cricket news sports news