મુકુલ ચૌધરીની ક્રિકેટ-કરીઅર માટે તેના પપ્પાએ ઘર વેચી દીધું, લોન લીધી; જેલ પણ ગયા

11 April, 2026 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલીપ કુમાર ચૌધરીએ તો લગ્ન પહેલાં જ નક્કી કરી લીધું હતું કે દીકરો થશે તો હું તેને ક્રિકેટર બનાવીશ : રાજસ્થાનનો આ ૨૧ વર્ષનો વિકેટકીપર-બૅટર ધોનીનો મોટો ફૅન છે...

મમ્મી-પપ્પા સાથે મુકુલ ચૌધરી, લખનઉના માલિકોએ મૅચના હીરો મુકુલ ચૌધરી સાથે પડાવ્યો ફોટો

ઈડન ગાર્ડન્સમાં હોમટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મૅચવિનિંગ ઇનિંગ્સ રમનાર લખનઉ સુપર જાયન્ટ્સના ૨૧ વર્ષના મુકુલ ચૌધરીની કહાણી કોઈ ફિલ્મથી ઓછી નથી. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના એક નાના ગામ ખેડારોં કી ધાનીમાં જન્મેલા આ જમણા હાથના વિકેટકીપર-બૅટરના પપ્પા દિલીપ કુમાર ચૌધરીએ દીકરાની ક્રિકેટ-કરીઅર માટે મોટા ત્યાગ કર્યા છે. 
૨૦૦૩માં ગ્રૅજ્યુએશન અને એ વર્ષે જ લગ્ન પહેલાં દિલીપ કુમાર ચૌધરીએ નક્કી કરી લીધું હતું કે જો મને દીકરો થશે તો હું તેને ક્રિકેટર બનાવીશ. બીજા જ વર્ષે તેમને મુકુલ સ્વરૂપે પહેલું સંતાન મળ્યું. તેમણે નક્કી કર્યું કે હું તેને ક્રિકેટર બનાવવા માટે મારાથી બનતું બધું કરીશ, જ્યારે ઘણા બધા લોકો ક્રિકેટર બની શકે છે તો મારો દીકરો કેમ નહીં? દિલીપ કુમાર પોતે એક ક્રિકેટર તરીકે ગામમાં સ્થાનિક ટુર્નામેન્ટમાં જ ભાગ લઈ શક્યા છે.

આર્થિક સંઘર્ષને કારણે છેક ૧૨-૧૩ વર્ષની ઉંમરથી મુકુલ ચૌધરીએ ક્રિકેટ-કરીઅરની મોડી શરૂઆત કરી હતી. ૨૦૧૬માં રાજસ્થાનના સીકરની એક સારી ક્રિકેટ-ઍકૅડેમીમાં કોચિંગ માટે મુકુલ ચૌધરીને મૂકવામાં આવ્યો હતો. ઘરથી લગભગ ૭૦ કિલોમીટર દૂર આવેલી આ ઍકૅડેમીની ફી અને ક્રિકેટ-કરીઅર માટે મુકુલ ચૌધરીના પપ્પાએ ૨૧ લાખ રૂપિયામાં ઘર વેચી દીધું હતું. સરકારી નોકરીની તૈયારી અને રિયલ એસ્ટેટમાં નિષ્ફળ રહેલા દિલીપ કુમાર ચૌધરીએ હોટેલ શરૂ કરવા માટે લોન લીધી હતી. સમયસર હપ્તા ન ચૂકવી શકવાને કારણે તેમણે જેલ પણ જવું પડ્યું હતું. સંબંધીઓએ પણ એ સમયે તેમના પરિવારનો સાથ છોડી દીધો હતો.

દિલીપ કુમાર ચૌધરીએ કહ્યું હતું કે ‘મારા માટે કપિલ દેવ અને સચિન તેન્ડુલકર બધું જ હતા. તેઓ મારા આદર્શ હતા. હું મારા પુત્ર સાથે સચિનના વિડિયો જોતો હતો, પરંતુ ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપ પછી જ્યારે એમ. એસ. ધોનીએ વિજયી સિક્સર ફટકારી ત્યારે દીકરો મુકુલ ધોનીનો ચાહક બની ગયો અને મારી પાસે વિકેટકીપરનાં ગ્લવ્ઝ માગ્યાં.’ 

કલકત્તા સામેની મૅચમાં તેણે ધોનીની જેમ હેલિકૉપ્ટર શૉટની મદદથી સિક્સર ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા. મૅચ બાદ મુકુલ ચૌધરીએ પપ્પાના સંઘર્ષ અને ધોનીની બૅટિંગ-શૈલીની પ્રશંસા કરી હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘IPLમાંથી થતી કમાણીથી હું સૌથી પહેલાં પપ્પાનો નાણાકીય બોજ સમાપ્ત કરીશ. તેમનાં તમામ કર્જ ખતમ કરીશ.’

ઑક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સે પણ લગાડી હતી બોલી
૨૧ વર્ષનો મુકુલ ચૌધરી IPLમાં પહેલી વખત રમી રહ્યો છે. મિની ઑક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે તેને ૨.૬૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની ૩૦ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ કરતાં ૧૩ ગણી રકમ તેને મળી છે. ઑક્શનમાં તેને ખરીદવા માટે લખનઉ સિવાય રાજસ્થાન રૉયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પણ રેસમાં હતા. ત્રણેય ટીમોએ ૨૮ જેટલી બોલી લગાડી હતી. બજેટની સમસ્યાઓને કારણે મુંબઈએ ૯૫ લાખ રૂપિયા અને રાજસ્થાને ૨.૪૦ કરોડ રૂપિયા બાદ બોલી લગાડી નહોતી.

લખનઉના કોચને મુકુલ ચૌધરીમાં 
દેખાય છે વિરાટ કોહલી જેવી ઊર્જા 
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને લખનઉ ટીમના કોચ જસ્ટિન લૅન્ગરે મુકુલ ચૌધરીને ટીમમાં સામેલ કરવા વિશે મોટા ખુલાસા કર્યા છે. ટીમના ડેટા-ઍનલિસ્ટ શ્રીનિવાસને મુકુલ ચૌધરીનો બૅટિંગ-વિડિયો જસ્ટિન લૅન્ગર સુધી પહોંચાડ્યો હતો. લખનઉના કોચે કહ્યું હતું કે ‘આગામી ૪ મહિનામાં હું તેને ભારતનો સૌથી ખતરનાક નંબર ૬-૭ બૅટ્સમૅન બનાવીશ. રન દોડતા સમયે મને તેનામાં વિરાટ કોહલી જેવી ઊર્જા દેખાય છે. તેની પાસે ૩૦૦ મૅચનો અનુભવ હોય એવી ઊર્જા છે. તેનામાં આગળ વધવાની ભૂખ છે.’

કેવો રહ્યો છે તેનો ક્રિકેટ-રેકૉર્ડ? 
મુકુલ ચૌધરી રાજસ્થાન માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો છે. તેણે ૪ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૧૦૩ રન કર્યા છે. પાંચ લિસ્ટ-A મૅચમાં તેણે ૭૧ રન કર્યા છે. ક્રિકેટ-કરીઅરમાં તેણે ૧૦ T20 મૅચમાં ૩  ફિફ્ટીના આધારે ૧૬૪.૭૦ના સ્ટ્રાઇક-રેટથી ૨૮૦ રન કર્યા છે. અન્ડર-23 લિસ્ટ-A ટ્રોફી ૨૦૨૫-’૨૬માં મુકુલ ચૌધરી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઊભરી આવ્યો હતો. તેણે ૧૪૨.૪૯ના સ્ટ્રાઇક-રેટથી ૬૧૭ રન બનાવ્યા જેમાં બે સદી અને ચાર ફિફ્ટીનો સમાવેશ થાય છે. તેણે ૩૯ સિક્સર પણ ફટકારી જે એ ટુર્નામેન્ટમાં સૌથી વધુ હતી.
IPL 2026માં મુકુલ ચૌધરીએ ૩ મૅચમાં સાતમા ક્રમે રમીને ૧૬૯.૭૯ના સ્ટ્રાઇક-રેટથી ૭૦  રન કર્યા છે. દિલ્હી કૅપિટલ્સ સામેની પહેલી મૅચમાં તેણે ૧૧ બૉલમાં બે ફોરની મદદથી ૧૪  રન કર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની બીજી મૅચમાં તેણે પાંચ બૉલમાં બે રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ગુરુવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે તેણે ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૨૭ બૉલમાં બે ફોર અને ૭ સિક્સર ફટકારીને અણનમ ૫૪ રન કર્યા હતા.

અર્જુન તેન્ડુલકરે પહેલાં જ કરી દીધી હતી વિસ્ફોટક મુકુલ ચૌધરીની ભવિષ્યવાણી 
લખનઉ ટીમના ઑલરાઉન્ડર અર્જુન તેન્ડુલકરે સીઝનની શરૂઆત પહેલાં જ એક પૉડકાસ્ટમાં વિસ્ફોટક મુકુલ ચૌધરીની ભવિષ્યવાણી કરી હતી. તેણે કહ્યું હતું કે ‘મુકુલ ચૌધરીની બૅટિંગથી હું ખૂબ પ્રભાવિત થયો છું. તે પ્રૅક્ટિસ-સેશનમાં શાનદાર સિક્સર ફટકારે છે અને દરેક દિશામાં સિક્સર ફટકારે છે. તેનું ભવિષ્ય શાનદાર રહેશે.’ 

ડેથ ઓવર્સમાં પહેલી વખત કોઈ ભારતીય પ્લેયરે ફિફ્ટી ફટકારી 
IPLમાં ડેથ ઓવર્સ એટલે કે ૧૬થી ૨૦ ઓવર વચ્ચે અગાઉ માત્ર કાઇરન પોલાર્ડે ફિફ્ટી ફટકારી હતી. તેણે ૨૦૧૩માં હૈદરાબાદ સામે મુંબઈ તરફથી રમતાં ૧૭ બૉલમાં ૫૭ રન કર્યા હતા. મુકુલ ચૌધરી આવી કમાલ કરનાર પહેલો ભારતીય બૅટર બન્યો છે. તેણે ગુરુવારે ડેથ ઓવર્સ દરમ્યાન ૨૧ બૉલમાં ફિફ્ટી પૂરી કરી હતી.

lucknow super giants arjun tendulkar IPL 2026 cricket news sports news