વાનખેડેમાં જીતના શ્રીગણેશ કરી શકશે મુંબઈની પલ્ટન

01 April, 2025 06:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલકત્તા માત્ર ૨૦૧૨ અને ૨૦૨૪માં મુંબઈને તેના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવવામાં સફળ રહ્યું હતું.

ગઈ કાલે વાનખેડેમાં રિન્કુ સિંહ સાથે મજાક કરી રહેલા કોલકાતા નાઇટ રાઇડર્સના પ્લેયર્સ (ડાબે), જ્યારે બીજી બાજુ બૅટિંગ પ્રૅક્ટિસ કરી રહેલો ટીમનો કૅપ્ટન અજિંક્ય રહાણે. તસવીરો : આશિષ રાજે

મુંબઈના હોમ ગ્રાઉન્ડમાં ૧૦માંથી ફક્ત બે જ મૅચ જીત્યું છે કલકત્તા IPL 2025ની બારમી મૅચ આજે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. કૅપ્ટન હાર્દિક પંડ્યા હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સીઝનની પહેલી મૅચ જીતીને અભિયાનને પાટા પર લાવવાનો ટાર્ગેટ રાખશે. મુંબઈના આ સ્ટેડિયમમાં ૫૦થી વધુ મૅચ જીતનારી મુંબઈ ઇન્ડિયન્સ સામે કલકત્તાની ટીમ ૧૦માંથી બે જ મૅચ જીતી છે. કલકત્તા માત્ર ૨૦૧૨ અને ૨૦૨૪માં મુંબઈને તેના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવવામાં સફળ રહ્યું હતું.

હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં ભલે મુંબઈની પલ્ટન કલકત્તા કરતાં આગળ હોય, પણ છેલ્લી પાંચ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સનો દબદબો રહ્યો છે. છેલ્લી પાંચ મૅચમાંથી મુંબઈ કલકત્તા સામે માત્ર ૨૦૨૩માં એક મૅચ જીતી શક્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ સામે પહેલી બન્ને મૅચ હારનાર મુંબઈ હોમ ગ્રાઉન્ડ પર જીતના શ્રીગણેશ કરશે એવી આશા ફ્રૅન્ચાઇઝીના દરેક પ્લેયર અને ફૅન્સ રાખશે.

અજિંક્ય રહાણેના નેતૃત્વમાં પહેલી મૅચ બૅન્ગલોર સામે હાર્યા બાદ બીજી મૅચમાં રાજસ્થાન રૉયલ્સને હરાવી વાપસી કરનાર કલકત્તાની ટીમ પોતાનું વિજય અભિયાન અટકે નહીં એના માટે પડકારજનક મૅચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. 

હેડ-ટુ-હેડ રેકૉર્ડ 
કુલ મૅચ    ૩૪
MIની જીત    ૨૩
KKRની જીત    ૧૧

sports sports news indian premier league wankhede kolkata knight riders