મુશફિકુર રહીમ ૧૦૦મી ટેસ્ટ-મૅચમાં સદી ફટકારનાર વિશ્વનો ૧૧મો પ્લેયર બન્યો

21 November, 2025 02:24 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

બંગલાદેશના ૪૭૬ રનની સામે પહેલી ઇનિંગ્સમાં આયરલૅન્ડે ૯૮ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી

મુશફિકુર રહીમ

બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ રહેલું બંગલાદેશ બીજી મૅચ ઝડપથી ખતમ કરવાના ઇરાદા સાથે ઊતર્યું લાગે છે. લિટન દાસ અને મુશફિકુર રહીમની સદીના આધારે બંગલાદેશ ૧૪૧.૧ ઓયરમાં ૪૭૬ રન કરીને ઑલઆઉટ થયું હતું. જવાબમાં બીજા દિવસના અંતે આયરલૅન્ડે ૩૮ ઓવરમાં ૯૮ રન કરીને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન બંગલાદેશ પાસે હજી ૩૭૮ રનની લીડ છે.

બંગલાદેશ માટે ૧૦૦મી ટેસ્ટ રમી રહેલા પ્રથમ પ્લેયર મુશફિકુર રહીમે ૨૧૪ બૉલમાં પાંચ ફોરની મદદથી ૧૦૬ રન કર્યા હતા. વિકેટકીપર-બૅટર લિટન દાસે ૮ ફોર અને ૪ સિક્સરના આધારે ૧૯૨ બૉલમાં ૧૨૮ રન કર્યા હતા. મહેમાન ટીમના સ્પિનર ઍન્ડી મૅકબ્રાઇને ૧૦૯ રન આપીને ૬ વિકેટ લીધી હતી.

કોઈ ભારતીય નથી કરી શક્યું મુશફિકુર રહીમ જેવી કમાલ 

મુશફિકુર ૧૦૦મી ટેસ્ટ-મૅચમાં સદી ફટકારનાર પહેલો બંગલાદેશી, ત્રીજો એશિયન અને ઓવરઑલ વિશ્વનો ૧૧મો પ્લેયર બન્યો છે.

કોઈ ભારતીય કે શ્રીલંકન પ્લેયર્સ પણ આ કમાલ કરી શક્યા નથી. એશિયામાંથી માત્ર પાકિસ્તાનના જાવેદ મિયાંદાદ (૧૯૮૯) અને ઇન્ઝમામ-ઉલ-હકે (૨૦૦૫) આ રેકૉર્ડ કર્યો હતો.

બંગલાદેશનો હાઇએસ્ટ રન-સ્કોરર મુશફિકુર રહીમ પોતાની ટીમ માટે સંયુક્ત રીતે હાઇએસ્ટ ૧૩મી ટેસ્ટ-સદી ફટકારનાર પ્લેયર પણ બન્યો છે. તેના સિવાય મોમિનુલ હકે ૧૩ સદી ફટકારી છે.

bangladesh ireland test cricket cricket news sports sports news