નવાસવા નામિબિયાએ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

23 October, 2021 02:37 PM IST  |  Mumbai | Agency

‘કૅપ્ટનની બૉમ્બ-સ્ક્વૉડ’ તરીકે જાણીતી આ આફ્રિકન ટીમ ટેસ્ટ-રાષ્ટ્ર આયરલૅન્ડને હરાવીને વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડમાં પહોંચી ગઈ

કૅપ્ટન ગેર્હાર્ડ ઇરેસમસ (ડાબે) અને ડેવિડ વિસ વચ્ચે ગઈ કાલે આયરલૅન્ડ સામે ૫૩ રનની અતૂટ અને વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી. એ.એફ.પી.

આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલા નામિબિયા દેશે ગઈ કાલે ટી૨૦ વર્લ્ડ કપના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ટેસ્ટ-રાષ્ટ્ર આયરલૅન્ડની ટીમ કે જે ભૂતકાળમાં મોટી-મોટી ટીમને આંચકો આપી ચૂકી છે એને આસાનીથી હરાવીને આ વિશ્વકપના મોટા દેશોવાળા સુપર-12 રાઉન્ડમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચી દીધો છે. નામિબિયા સુપર-12ના ‘એ’ ગ્રુપમાં સામેલ થયું છે જેમાં ભારત, પાકિસ્તાન, ન્યુ ઝીલૅન્ડ, અફઘાનિસ્તાન અને સ્કૉટલૅન્ડ છે.
ગઈ કાલે નામિબિયાએ ફીલ્ડિંગ મળતાં આયરલૅન્ડની ટીમને સસ્તામાં આઉટ કરવાનો પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી દીધી હતી. આયરિશ ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ફક્ત ૧૨૫ રન બનાવી શક્યું હતું. નામિબિયાના પેસ બોલર જૅન ફ્રાયલિન્કે ત્રણ અને થોડાં વર્ષો પહેલાં સાઉથ આફ્રિકાની ટીમ છોડીને નામિબિયા આવેલા પેસ બોલર ડેવિડ વિસે બે વિકેટ લીધી હતી. પછીથી ડેવિડ વિસે ફટકાબાજી પણ કરી હતી. તેણે બે સિક્સર અને એક ફોરની મદદથી ૧૪ બૉલમાં ૨૮ રન બનાવીને નામિબિયાનો વિજય સહેલો બનાવ્યો હતો. કૅપ્ટન ગેર્હાર્ડ ઇરેસમસે અણનમ ૫૩ રન બનાવ્યા હતા. નામિબિયાએ ૧૮.૩ ઓવરમાં બે વિકેટે ૧૨૬ રન બનાવીને યાદગાર વિજય મેળવ્યો હતો.
આયરલૅન્ડ વતી માત્ર ત્રણ ખેલાડીઓ ચમક્યા હતા. બૅટિંગમાં પૉલ સ્ટર્લિંગે ૩૮ રન અને કેવિન ઓબ્રાયને પચીસ રન બનાવ્યા હતા, જ્યારે તાજેતરમાં ૪ બૉલમાં ૪ વિકેટ લેનાર કર્ટિસ કૅમ્ફરે બે વિકેટ લીધી હતી.
‘બૉમ્બ સ્ક્વૉડ’ શા માટે?
નામિબિયાના કોચ પિયેર ડી બ્રુઇનના મતે નામિબિયાની ટીમ કૅપ્ટન ઇરેસમસની ‘બૉમ્બ સ્ક્વૉડ’ છે જેમાં ઑલરાઉન્ડર ડેવિડ વિસ તથા જેજે સ્મીટ જેવા મૅચ-વિનર્સ તેમ જ હાર્ડ-હિટિંગ કરવામાં કાબેલ છે. વર્લ્ડ કપ માટેના નામિબિયાના ખેલાડીઓનું સિલેક્શન દેશની પાંચ ક્રિકેટ ક્લબોમાંથી કરાયું છે.
ઍલ્બી મૉર્કલ સહાયક કોચ સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર તેમ જ આઇપીઅએમાં રમી ચૂકેલો ઍલ્બી મૉર્કલ નામિબિયા ટીમનો સહાયક કોચ છે. મૉર્કલના કોચિંગથી નામિબિયાની ટીમને વર્લ્ડ કપમાં પહોંચવામાં મોટી મદદ મળી છે.

 અમે બહુ નાના દેશના નાગરિકો છીએ. અમારા દેશમાં બહુ ઓછા લોકો ક્રિકેટ રમે છે. આ પરિસ્થિતિમાં અમે પહેલી વાર ટી૨૦ વર્લ્ડ કપમાં પહોંચી ગયા એનો અમને પોતાના પર ખૂબ ગર્વ છે.
ગેર્હાર્ડ ઇરેસમસ (નામિબિયાનો કૅપ્ટન)

sports news sports cricket news