28 June, 2026 02:44 PM IST | London | Gujarati Mid-day Correspondent
એક વર્ષ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સદી ફટકારી બેન ડકેટે.
ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ-મૅચમાં પહેલી ઇનિંગ્સની રમત બાદ મહેમાન ટીમ ન્યુ ઝીલૅન્ડે ૮૪ રનની લીડ જાળવી રાખી હતી. પહેલી ઇનિંગ્સમાં ન્યુ ઝીલૅન્ડના ૪૩૮ રનના સ્કોર સામે ઇંગ્લૅન્ડ ૮૮.૨ ઓવરમાં ૩૫૪ રન કરીને ઑલઆઉટ થયું હતું. ત્રીજા દિવસે ટી-બ્રેક સુધી રમત પર ન્યુ ઝીલૅન્ડની પકડ મજબૂત હતી. અંગ્રેજ ટીમે ૪૬મી ઓવરમાં ૨૨૩-૨ના સ્કોર સાથે પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. ઓપનર બેન ડકેટે ૯૯ બૉલમાં ૧૮ ફોરની મદદથી ૧૧૩ રન કર્યા હતા.
જોફ્રા આર્ચરે લીધી બે વિકેટ.
ટેસ્ટ-ક્રિકેટ માટે IPL 2026નો દિલ્હી કૅપિટલ્સ સાથેનો કરાર તોડનાર આ બૅટરે ૮૮ બૉલમાં ૧૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. જેકબ બેથલે ૧૩૩ બૉલમાં ૯ ફોરના આધારે ૭૪ રન અને હૅરી બ્રૂકે ૮૦ બૉલમાં પાંચ ફોરની મદદથી ૫૮ રનનું યોગદાન આપ્યું હતું. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર નૅથન સ્મિથે ૨૩ ઓવરમાં ૯૧ રન આપીને ૪ વિકેટ લઈ ન્યુ ઝીલૅન્ડ માટે સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ફાસ્ટ બોલર્સ વિલિયમ ઑરોર્કે અને ઝકારી ફોલ્કેસને ૩-૩ સફળતા મળી હતી.