પડકારોનો સામનો કરવા માટે માસ્ટર બ્લાસ્ટર જેવો સુપરપાવર મેળવવા ઇચ્છે છે નીરજ ચોપડા

04 July, 2025 06:59 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આટલા મહાન બોલરોના પડકારોનો સામનો કર્યા પછી પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું. હું એ જ સુપરપાવર લેવા માગું છું અને એ જ રીતે રમવા માગું છું

પાંચમી જુલાઈએ બૅન્ગલોરના શ્રી કાંતીરવા આઉટડોર સ્ટેડિયમમાં રમાશે ભારતની પહેલી ઇન્ટરનૅશનલ જૅવલિન થ્રો ઇવેન્ટ નીરજ ચોપડા ક્લાસિક 2025. નીરજે ગ્રાઉન્ડ પર સ્ટાઇલમાં પોઝ આપ્યો હતો.

ભારતના જૅવલિન થ્રોઅર સ્ટાર નીરજ ચોપડાએ કેટલાક ક્રિકેટર્સ વિશે હાલમાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે જૅવલિન થ્રોમાં કયા ક્રિકેટરના સુપરપાવરને આત્મસાત કરવા માગે છે ત્યારે તે કહે છે કે ‘સચિન તેન્ડુલકર. તેણે આટલાં વર્ષો સુધી દેશનું પ્રતિનિધિત્વ ખૂબ જ શાનદાર રીતે કર્યું. આટલા મહાન બોલરોના પડકારોનો સામનો કર્યા પછી પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું. હું એ જ સુપરપાવર લેવા માગું છું અને એ જ રીતે રમવા માગું છું. આનાથી મને શાંત રહીને પડકારોનો સામનો કરવામાં મદદ મળશે.’

કયો ક્રિકેટર જૅવલિન થ્રો સારી રીતે કરી શકશે? આ સવાલનો જવાબ આપતાં નીરજ ચોપડા કહે છે, ‘બ્રેટ લી અને જસપ્રીત બુમરાહ. મને આશા છે કે બુમરાહ મને બોલિંગ શીખવશે. બોલિંગ અને જૅવલિન બન્નેમાં થ્રો છે, પરંતુ એ અલગ છે. મહેન્દ્ર સિંહ ધોનીનો હેલિકૉપ્ટર શૉટ શક્તિ અને ટેક્નિકની દૃષ્ટિએ જૅવલિન જેવો જ છે.’

નીરજ ચોપડા ક્લાસિક 2025માં થયાં ત્રણ રિપ્લેસમેન્ટ

આગામી નીરજ ચોપડા ક્લાસિક 2025 ઇવેન્ટ પહેલાં ત્રણ પ્લેયર્સને રિપ્લેસ કરવા પડ્યા છે. ગ્રૅનાડાના ઍન્ડરસન પીટર્સને પગની ઘૂંટીમાં ઇન્જરી થઈ હોવાથી તેના સ્થાને પોલૅન્ડનો સાયપ્રિયન મર્ઝીગ્લોડ રમશે. ભારતના કિશોન જેનાના સ્થાને ભારતનો જ યશવીર સિંહ અને જપાનના ગેન્કી ડીનના સ્થાને પોલૅન્ડનો માર્ટિન કૉનેક્ની આ ઇવેન્ટમાં ભાગ લેશે.

બ્રેટ લીએ કરી રસપ્રદ ટ્વીટ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર ટ્વીટ કરીને નીરજના નિવેદનનો જવાબ આપતાં લખ્યું કે ‘મેં મારા સ્કૂલના દિવસોમાં જૅવલિન થ્રો કર્યા છે, પણ નીરજ કરતાં વધુ નથી કર્યા. મારી કોણી માટે એ મુશ્કેલ છે. જોકે હું આ ઉત્તમ ઍથ્લીટની પ્રશંસા કરું છું અને તેને શુભકામનાઓ આપું છું.’

neeraj chopra sports news sports bengaluru Olympics