20 December, 2025 07:38 PM IST | New Zealand | Gujarati Mid-day Correspondent
ડેવોન કૉન્વેએ ૨૨૭ રન ફટકાર્યા હતા, રચિન રવીન્દ્રએ ૭૨ રન ફટકાર્યા હતા.
ન્યુ ઝીલૅન્ડ સામે ત્રીજી ટેસ્ટ-મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સારી ટક્કર આપી રહ્યું છે. ગઈ કાલે બીજા દિવસની રમતમાં ન્યુ ઝીલૅન્ડે ડેવૉન કૉન્વેની ડબલ સેન્ચુરી અને રચિન રવીન્દ્રની ૭૨ રનની ઇનિંગ્સની મદદથી ૧૫૫ ઓવરમાં ૫૭૫-૮ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજા દિવસના અંતે મહેમાન ટીમે ૨૩ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ૧૧૦ રન કર્યા હતા. ૩ મૅચની સિરીઝમાં યજમાન ટીમ ન્યુ ઝીલૅન્ડ ૧-૦થી આગળ છે. તેઓ આ મૅચમાં ૪૬૫ રનથી આગળ છે.
ન્યુ ઝીલૅન્ડે ૯૦ ઓવરમાં
૩૩૪-૧ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારી હતી. કૅપ્ટન ટૉમ લૅધમ સાથે ૩૨૩ રનની ભાગીદારી કરનાર ઓપનર ડેવોન કૉન્વેએ ૩૬૭ બૉલમાં ૩૧ ફોરના આધારે ૨૨૭ રનની ઇનિંગ્સ રમી હતી. જેકબ ડફી દિવસની શરૂઆતમાં જ ૨૫ બૉલમાં ૧૭ રનની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. અનુભવી બૅટર કેન વિલિયમસને ૬૦ બૉલમાં પાંચ ફોરની મદદથી ૩૧ રનની જ ઇનિંગ્સ રમી શક્યો હતો.
ભારતીય મૂળના બૅટર રચિન રવીન્દ્રએ પાંચમા ક્રમે રમીને ૧૦૬ બૉલમાં ૬ ફોર અને બે સિક્સરની મદદથી ૭૨ રન ફટકાર્યા હતા. ગ્લેન ફિલિપ્સે ૨૯ રન અને એજાઝ ખાને ૩૦ રન કરીને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર જસ્ટિન ગ્રીવ્સ, જેડન સીલ્સ અને ઍન્ડરસન ફિલિપે બે-બે વિકેટ લીધી હતી. ત્રણેયે અનુક્રમે ૮૩, ૧૦૦ અને ૧૫૪ રન આપી દીધા હતા. કૅપ્ટન અને સ્પિનર રોસ્ટન ચેઝે ૧૫૯ આપીને એક વિકેટ લીધી હતી.
વેસ્ટ ઇન્ડીઝના ઓપનર્સ જૉન કૅમ્પબેલ અને બ્રૅન્ડન કિંગ ૧૧૦ રનની ભાગીદારી કરીને દિવસનાં અંત સુધી ટકી શક્યા નહોતા. જૉન કૅમ્પબેલે ૬૦ બૉલમાં ૭ ફોર ફટકારીને ૪૫ રન અને બ્રૅન્ડન કિંગે ૭૮ બૉલમાં ૯ ફોરની મદદથી પંચાવન રન કર્યા હતા.
ફાસ્ટ બોલર કેમાર રોચ બીજા દિવસે ન રમી શક્યો
ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં પહેલા દિવસે એકમાત્ર વિકેટ લેનાર વેસ્ટ ઇન્ડીઝનો ફાસ્ટ બોલર કેમાર રોચ બીજા દિવસે રમી શક્યો નહોતો. હેમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે તે બીજા દિવસે મેદાન પર ઊતર્યો નહોતો. તેણે ૧૯ ઓવરના સ્પેલમાં ૬૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
100
આટલા પ્લસ રનની ભાગીદારી બન્ને ટીમની પહેલી ઇનિંગ્સમાં પહેલી જ વખત થઈ ન્યુ ઝીલૅન્ડની ધરતી પર.