ભારત નથી આવવાના વિલિયમસન, રચિન, લૅધમ અને હેન્રી

25 December, 2025 08:54 AM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ૧૧, ૧૪ અને ૧૮ જાન્યુઆરીએ ત્રણ વન-ડે મૅચની અને ત્યારબાદ ૨૧, ૨૩, ૨૫, ૨૮ અને ૩૧ જાન્યુઆરીએ પાંચ T20 મૅચની સિરીઝ રમાશે

ન્યુ ઝીલૅન્ડનો વન-ડે ટીમનો કૅપ્ટન મિચલ બ્રેસવેલ

આવતા મહિને ભારતમાં રમાનારી વન-ડે અને T20 સિરીઝ માટે મંગળવારે રાતે ન્યુ ઝીલૅન્ડે ટીમની જાહેરાત કરી હતી જેમાં અનુભવીઓ કેન વિલિયમસન, ટૉમ લૅધમ અને મૅટ હેન્રી તથા યુવા સ્ટાર રચિન રવીન્દ્રનો સમાવેશ નથી કરવામાં આવ્યો. વિલિયમસન સાઉથ આફ્રિકન લીગમાં બિઝી હોવાથી, લૅધમ ત્રીજી વાર પપ્પા બનાવાનો છે અને હેન્રી હજી ઇન્જરીમુક્ત થયો ન હોવાથી સમાવેશ નથી કરવામાં આવ્યો. જોકે રચિન રવીન્દ્રનને T20 વર્લ્ડ કપ પહેલાં આરામ આપવામાં આવ્યો છે. એ ઉપરાતં નૅથન સ્મિથ, બ્લેર ટિકનેર અને માર્ક ચૅપમૅન પણ ઇન્જર્ડ હોવાથી તેમની આ ટૂર માટે વિચારણા નથી કરવામાં આવી.

ઇન્જરીમુક્ત થઈને ટીમમાં કમબૅક કરી રહેલા મિચલ સૅન્ટનરને T20 ટીમનો અને મિચલ બ્રેસવેલને વન-ડે ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ૧૧, ૧૪ અને ૧૮ જાન્યુઆરીએ ત્રણ વન-ડે મૅચની અને ત્યારબાદ ૨૧, ૨૩, ૨૫, ૨૮ અને ૩૧ જાન્યુઆરીએ પાંચ T20 મૅચની સિરીઝ રમાશે.

ભારતીય મૂળના આદિ અશોકને તક

અનેક યુવા ચહેરાઓમાં ભારતીય મૂળના ૨૩ વર્ષના આદિ અશોકને મોકો આપવામાં આવ્યો છે. તામિલનાડુમાં જન્મેલો આદિ (આદિત્ય) અશોક ચારેક વર્ષનો હતો ત્યારે તેની ફૅમિલી ન્યુ ઝીલૅન્ડમાં શિફ્ટ થઈ હતી અને યુવા ટીમમાં ધમાલ મચાવ્યા બાદ ૨૦૨૧ના ઑગસ્ટમાં T20 ટીમમાં અને ડિસેમ્બરમાં વન-ડે ટીમમાં ડેબ્યુ કર્યું હતું.

new zealand one day international odi t20 international india kane williamson rachin ravindra cricket news sports sports news