ઑસ્ટ્રેલિયાને ૪૪/૫ના ધબડકા પછી ૧૫૮ રનની ભાગીદારીએ જિતાડ્યું

07 September, 2022 11:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ સામે કૅમેરન ગ્રીનના અણનમ ૮૯ અને ઍલેક્સ કૅરીના ૮૫

કૅમેરન ગ્રીન

ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ વન-ડેવાળી સિરીઝની પ્રથમ રોમાંચક મૅચમાં ૩૦ બૉલ બાકી રાખીને બે વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. ૨૩૩ રનના લક્ષ્યાંક મેળવવા જતાં કાંગારૂઓ ૪૪ રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠા હતા, પરંતુ ત્યાર બાદ મૅચના બે હાફ સેન્ચુરિયન કૅમેરન ગ્રીન (૮૯ અણનમ, ૯૨ બૉલ, એક સિક્સર, દસ ફોર) અને ઍલેક્સ કૅરી (૮૫ રન, ૯૯ બૉલ, એક સિક્સર, આઠ ફોર) વચ્ચેની છઠ્ઠી વિકેટ માટેની ૧૫૮ રનની ભાગીદારીએ ટીમને જીતની નજીક લાવી દીધી હતી.

૨૦૨ રનના સ્કોર પર કૅરીની છઠ્ઠી વિકેટ પડ્યા પછી બીજા પાંચ રનમાં વધુ બે વિકેટ પડતાં કિવીઓના વિજયની સંભાવના વધી ગઈ હતી. જોકે ગ્રીને ૧૩ બૉલમાં ૧૩ રન બનાવીને અણનમ રહેનાર ઍડમ ઝૅમ્પા સાથે ૨૩ રનની અતૂટ ભાગીદારી કરીને ઑસ્ટ્રેલિયાનો વિજય સંભવ બનાવી દીધો હતો. ગ્રીનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. કિવી બોલર્સમાંથી ટ્રેન્ટ બોલ્ટે ચાર, મૅટ હેન્રીએ બે અને લૉકી ફર્ગ્યુસને બે વિકેટ લીધી હતી.

એ અગાઉ, ન્યુ ઝીલૅન્ડના ૨૩૨/૯ના સ્કોરમાં એકેય હાફ સેન્ચુરી નહોતી. ઓપનર ડેવોન કૉન્વેના ૪૬ રન ટીમમાં હાઇએસ્ટ હતા. કેન વિલિયમસને ૪૫ અને વિકેટકીપર ટૉમ લેથમે ૪૩ રન બનાવ્યા હતા. ગ્લેન મૅક્સવેલના ચાર વિકેટના અને જૉશ હેઝલવુડના ત્રણ વિકેટના તરખાટને કારણે કિવીઓ ૨૫૦ રનના સ્કોર સુધી નહોતા પહોંચી શક્યા.

sports news sports cricket news david warner kane williamson new zealand australia