કૅરિબિયનો સામે વન-ડે સિરીઝમાં કિવીઓની વિજયી શરૂઆત

17 November, 2025 12:29 PM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડના ૨૭૦ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇન્ડીઝ ૨૬૨ રન કરીને ૭ રને હાર્યું 

વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે અંતિમ ઓવરમાં ૨૦ રન જોઈતા હતા પણ મિચલ સૅન્ટનર ઍન્ડ કંપનીએ માત્ર ૧૨ રન આપીને ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો

ક્રાઇસ્ટચર્ચમાં આયોજિત પહેલી વન-ડેમાં યજમાન ન્યુ ઝીલૅન્ડે ૭ રને જીત નોંધાવી હતી. પાંચ મૅચની T20 સિરીઝમાં પણ યજમાન ટીમે ૭ રને જીત સાથે સિરીઝની શરૂઆત કરી હતી. પહેલી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડે ડૅરિલ મિચલની સદીના આધારે ૭ વિકેટે ૨૬૯ રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ ૬ વિકેટ ગુમાવી ૨૬૨ રન જ કરી શક્યું હતું.

ચોથા ક્રમે રમીને ડૅરિલ મિચલે ૧૧૮ બૉલમાં ૧૧૯ રનની ધીમી ઇનિંગ્સની મદદથી ટીમનો સ્કોર મજબૂત કર્યો હતો. તેણે ૧૨ ફોર અને બે સિક્સર ફટકારી હતી. ઓપનર ડેવોન કૉન્વેએ ૫૮ બૉલમાં ૭ ફોર અને એક સિક્સરની મદદથી ૪૯ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ફાસ્ટ બોલર જેડન સીલ્સે ૪૧ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.

કૅરિબિયન ટીમ માટે ઑલરાઉન્ડર શરફેન રુધરફૉર્ડ જ ૫૦થી વધુ રન કરી શક્યો હતો. તેણે ૩ ફોર અને ૩ સિક્સરની મદદથી ૬૧ બૉલમાં ૫૫ રન કર્યા હતા. ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર કાઇલ જેમીસને ૧૦ ઓવરમાં ૪૧ રન આપીને ત્રણ સફળતા મેળવી હતી. અંતિમ ઓવરમાં જ્યારે જીતવા માટે કૅરિબિયનોને ૨૦ રનની જરૂર હતી ત્યારે કૅપ્ટન મિચલ સૅન્ટનર ઍન્ડ કંપનીએ માત્ર ૧૨ રન આપીને ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો.

new zealand west indies one day international odi christchurch cricket news sports sports news