ન્યુ ઝીલૅન્ડની એક જીતના ચાર મૅચ-વિનર્સ

12 August, 2022 12:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીજી ટી૨૦ (ભારતીય સમય મુજબ આવતી કાલે રાતે ૧૨.૦૦ વાગ્યાથી) રમાશે

નીશૅમે બુધવારે રોમારિયો શેફર્ડનો લાજવાબ કૅચ પકડ્યો હતો. (તસવીર : એ. એફ.પી.)

કેન વિલિયમસનના સુકાનમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે આવેલી ન્યુ ઝીલૅન્ડની ટીમે બુધવારે ત્રણ મૅચવાળી ટી૨૦ સિરીઝની પહેલી રસાકસીભરી મૅચમાં ૧૩ રનથી જે વિજય મેળવ્યો એ ખાસ કરીને ચાર ખેલાડીઓનાં યોગદાનને આભારી હતો. ખુદ કૅપ્ટન વિલિયમસન (૪૭ રન, ૩૩ બૉલ, બે સિક્સર, ચાર ફોર), ડેવોન કૉન્વે (૪૩ રન, ૨૯ બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને જેમ્સ નીશામ (૩૩ અણનમ, ૧૫ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની ફટકાબાજીની મદદથી કિવી ટીમ પાંચ વિકેટે ૧૮૫ રન બનાવી શકી હતી. જોકે સ્પિનર મિચલ સૅન્ટનર (૪-૦-૧૯-૩) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

કિવીઓની ઇનિંગ્સમાં કૅરિબિયન ફાસ્ટ બોલર ઓડિયન સ્મિથે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૨ રન બનાવી શકી હતી, જેમાં શામરાહ બ્રુક્સના ત્રણ સિક્સરની મદદથી બનેલા ૪૨ રન, રોમારિયો શેફર્ડના ત્રણ સિક્સરની મદદથી બનેલા અણનમ ૩૧, ઓડિયન સ્મિથના અણનમ ૨૭ અને જેસન હોલ્ડરના પચીસ રનનો સમાવેશ હતો. ૨૦મી ઓવર ટિમ સાઉધીને સોંપાઈ હતી. એ ઓવરમાં કૅરિબિયનોને ૨૬ રનની જરૂર હતી જેની સામે ફક્ત ૧૨ રન બન્યા હતા. સૅન્ટનરની ત્રણ વિકેટ ઉપરાંત બૉલ્ટ, સાઉધી, ફર્ગ્યુસન, સોઢીને એક-એક વિકેટ મળી હતી. કિવી ઑલરાઉન્ડર જેમ્સ નીશામે અણનમ ૩૩ રન બનાવવા ઉપરાંત બે શાનદાર કૅચ પણ પકડ્યા હતા.

બીજી ટી૨૦ (ભારતીય સમય મુજબ આવતી કાલે રાતે ૧૨.૦૦ વાગ્યાથી) રમાશે.

sports sports news t20 international cricket news new zealand west indies kane williamson