News In Short : દિલ્હી માટે પહેલી મૅચ મહત્ત્વની : મોહમ્મદ કૈફ

16 September, 2021 06:59 PM IST  |  Mumbai | Agency

અમારી પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ અને ડોમેસ્ટિક ક્રિકેટરોની એક સંતુલિત ટીમ છે, જેઓ સારું પ્રદર્શન કરી શકે છે. અમારા માટે પહેલી મૅચ મહત્ત્વની રહેશે.

દિલ્હી માટે પહેલી મૅચ મહત્ત્વની : મોહમ્મદ કૈફ

આઇપીએલના પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર રહેલી દિલ્હીની ટીમ માટે પહેલી મૅચ મહત્ત્વની છે એમ અસિસ્ટન્ટ કોચ મોહમ્મદ કૈફે જણાવ્યું હતું. દિલ્હીની ટીમના અત્યાર સુધી આઠ મૅચમાં કુલ ૧૨ પૉઇન્ટ છે. કૈફે એક મીડિયા રિલીઝમાં કહ્યું હતું કે ‘આઇપીએલના પહેલા તબક્કા બાદ બહુ લાંબો બ્રેક પડ્યો છે, પરંતુ અમે નસીબદાર છીએ કે મોટા ભાગના ખેલાડીઓ સતત આંતરરાષ્ટ્રીય રમત રમી રહ્યા છે. અમારી પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ અને ડોમેસ્ટિક ક્રિકેટરોની એક સંતુલિત ટીમ છે, જેઓ સારું પ્રદર્શન કરી શકે છે. અમારા માટે પહેલી મૅચ મહત્ત્વની રહેશે.’ 
કૈફે યુએઈમાં કેટલાક ખેલાડીઓની ભૂમિકામાં બદલાવ ​વિશે કહ્યું હતું કે ‘અમે ભારતમાં સારું રમ્યા, અમે એવું જ પ્રદર્શન અહીં પણ કરવા માગીએ છીએ, પરંતુ અહીંની પરિસ્થિતિ અલગ હોવાથી કેટલાક ખેલાડીઓની ભૂમિકામાં ફેરબદલ જોવા મળશે.’ 

કાલે સર્જરી બાદ પેલે આઇસીયુમાંથી બહાર 

પેટમાંથી ગાંઠ કાઢ્યાની સર્જરી બાદ ગઈ કાલે ૮૦ વર્ષના ફુટબૉલ ખેલાડીને આઇસીયુમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બ્રાઝિલની એક હૉસ્પિટલમાં ચોથી સપ્ટેમ્બરે તેમની સર્જરી કરવામાં આવી હતી. પેલેએ કહ્યું હતું કે ‘આઇસીયુમાંથી બહાર આવ્યા બાદ હું ૯૦ મિનિટ વત્તા એક્સ્ટ્રા ટાઇમ સુધી રમવા માટે તૈયાર છું. મેં તમામ સંદેશાઓ વાંચ્યા છે.’ પેલે જ્યારે ઑગસ્ટ મહિનામાં રૂટીન ચેકઅપ માટે આવ્યો હતો ત્યારે આ ગાંઠ વિશેની માહિતી મળી હતી. પેલે ત્રણ-ત્રણ વર્લ્ડ કપ જીતનાર ટીમનો ખેલાડી હતો. ૨૦૧૨માં થયેલી સર્જરી બાદ તે ભાગ્યે જ જાહેરમાં દેખાય છે. 

શરૂ થશે નવી પ્રાઇમ વૉલીબૉલ લીગ

દેશમાં રમતને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે પ્રાઇમ વૉલીબૉલ લીગ નામથી છ ટીમ ધરાવતી નવી લીગ શરૂ થશે જે એનબીએ જેવી આંતરરાષ્ટ્રીય લીગની જેમ જ કામ કરશે. વૉલીબૉલ લીગની પહેલી ઍડિશનમાં કાલીકટ હિરોસસ, કોચી બ્લુ સ્પાઇકર્સ, અહમદાબાદ ડિફેન્ડર્સ, હૈદરાબાદ બ્લૅક હોક્સ, ચેન્નઈ બ્લીટ્ઝ અને બૅન્ગલોર ટોર્પેડોઝ જેવી છ ટીમ હશે. આ લીગની મૅચોનું પ્રસારણ સોની પિક્ચર્સ નેટવર્ક પર કરાશે. ફેન્ટ્સી ગેમ્સ લીડર્સ એ-૨૩ દ્વારા સ્પોન્સર તરીકેના કરાર પણ કર્યા છે. ખેલાડીઓની હરાજી તેમ જ ટુર્નામેન્ટના કાર્યક્રમોની પણ ટૂંક સમયમાં ઘોષણા કરવામાં આવશે. વૉલીબૉલ લીગના સીઈઓ જૉય ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે ‘દેશમાં ઘણી બધી પ્રતિભાઓ છે. અમારો પ્રયત્ન તેમને એક પ્લૅટફૉર્મ આપવાનો છે.’ 

આઇપીએલ રમાનારા સાઉથ આફ્રિકાના ખેલાડીઓ યુએઈની પરિસ્થિતિની માહિતી મેળ‍વશે : બાઉચર

સાઉથ આફ્રિકાની ટીમના કોચ માર્ક બાઉચરના મતે યુએઈમાં રમાનારી આઇપીએલ દરમ્યાન એમના ખેલાડી ત્યાંની પરિસ્થિતિ વિશે સારી એવી માહિતી ભેગી કરી લેશે, જેથી ત્યાર બાદ રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં લાભ થશે. ૪૪ વર્ષના કોચના મતે લીગમાં રમતા ખેલાડીઓએ યોગ્ય સમયે ફોર્મ મેળવવું પડશે. તેણે કહ્યું હતું કે જે ખેલાડીઓ આઇપીએલ રમવા માટે જઈ રહ્યા છે તેમની સાથે અમે વાત કરી છે. તેમણે ખૂબ જ શિસ્તમાં રહેવું પડશે. વળી ત્યાંની પરિસ્થિતિ વિશે પણ માહિતગાર થશે, જે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ માટે મહત્ત્વની બનશે.’
બાયો બબલમાં મળેલા કેસને કારણે મે મહિનામાં મોકૂફ રાખવામાં આવેલી આઇપીએલ ૧૯ સપ્ટેમ્બરથી ૧૫ ઑક્ટોબર વચ્ચે રમાઈ રહી છે. વળી ૧૭ ઑક્ટોબરથી ઓમાન અને યુએઈમાં ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થશે. સાઉથ આફ્રિકાની ટીમે તાજેતરમાં શ્રીલંકાને ટી૨૦ સિરીઝમાં ૩-૦થી હરાવ્યું છે. આ પહેલાં ટીમ વેસ્ટ ઇન્ડીઝ અને આયરલૅન્ડને પણ હરાવી ચૂકી છે. 

cricket news sports news sports