News In Short : મિઝોરમના અન્ડર-19 કોચનું હાર્ટ-અટૅકથી મૃત્યુ

19 September, 2021 01:30 PM IST  |  Mumbai | Agency

કોરોનાકાળ બાદ ક્રિકેટ બોર્ડ દેશમાં ફરી ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ જઈ રહ્યું છે ત્યારે અચાનક કોચના મૃત્યુને લીધે બધાને ભારે આઘાત લાગ્યો છે.

મિઝોરમના અન્ડર-19 કોચનું હાર્ટ-અટૅકથી મૃત્યુ

મિઝોરમના અન્ડર-19 કોચનું હાર્ટ-અટૅકથી મૃત્યુ

ભૂતપૂર્વ બૅન્ગલોરના ભૂતપૂર્વ સ્પિનર અને મિઝોરમ અન્ડર-19 ટીમના હેડ કોચ મુર્તઝા લોધગરનું ગઈ કાલે વિશાખાપટ્ટનમમાં હાર્ટ-અટૅકને લીધે મૃત્યુ થયું હતું. મુર્તઝા ૪૫ વર્ષના હતા. તેઓ ટીમ ફિઝિયો સાથે ડિનર પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં રોડ પર જ પડી ગયા હતા. તેમને તરત હૉસ્પિટલ લઈ જવાયા હતા, પણ હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. કોરોનાકાળ બાદ ક્રિકેટ બોર્ડ દેશમાં ફરી ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ જઈ રહ્યું છે ત્યારે અચાનક કોચના મૃત્યુને લીધે બધાને ભારે આઘાત લાગ્યો છે.

ડેવિડ કપમાં ફિનલૅન્ડ સામે ભારતની ૧-૩થી હાર

ફિનલૅન્ડ સામે વર્લ્ડ ગ્રુપ-વન ટાઇ મુકાબલામાં પ્રથમ બન્ને સિંગલ્સ મૅચો હારીને ભારત ૦-૨થી પાછળ પડી ગયું છે. ત્યાર બાદ ગઈ કાલે મસ્ટ-વીન ડબલ જંગમાં પણ ભારતીય જોડી રોહન બોપન્ના અને દિવિજ સરનનો સીધા સેટમાં ૬-૭, ૬-૭થી પરાજય થતાં ફિનલૅન્ડે ૩-૦ અજેય લીડ મેળવી લીધી હતી. મહત્વહીન બની ગયેલો ચોથો મુકાબલો જોકે ભારતના પ્રજ્ઞેશ ગુણેશ્વરન જીતીને ભારતને આશ્વાસનરૂપી એક જીત અપાવી હતી.  

કિવીઓ બાદ હવે ઇંગ્લૅન્ડ પણ આપી શકે છે પાકિસ્તાનને ઝટકો

પહેલી મૅચ શરૂ થવાના ગણતરીના કલાક પહેલાં જ ન્યુ ઝીલૅન્ડે શુક્રવારે સિરીઝ છોડીને સ્વદેશ પાછા જવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે ટીમને પાછી લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી. કિવીઓના આ નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે આઘાત લાગ્યો હતો અને કિવી બોર્ડ સામે ગુસ્સો ઠાલવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બાર્ડને આને લીધે આર્થિક નુકસાન ઉપરાંત દેશમાં ફરી ઇન્ટરનૅશનલ ક્રિકેટ પુરજોશમાં શરૂ કરવાના ઇરાદાને પણ ધક્કો લાગ્યો હતો. પાકિસ્તાનને ડર છે કે કિવીઓને લીધે હવે બીજી ટીમો પણ પાકિસ્તાનમાં રમવા વિશે તેમના નિર્ણય વિશે પુનર્વિચાર કરશે. પાકિસ્તાનનો આ ડર સાચો જ પડવા જઈ રહ્યો છે, કેમ કે ઇંગ્લૅન્ડે પણ તેમની આગામી પાકિસ્તાનની ટૂર વિશે પુનર્વિચાર કરવાનું શરૂ કરી દીધું છે અને મોટા ભાગે તેઓ આ ટૂર કૅન્સલ કરશે અથવા પોસ્ટપોન્ડ કરશે. 

પિન્ક ટેસ્ટમાં શેફાલી વર્માની ભૂમિકા રહેશે મહત્ત્વપૂર્ણ : હેમલતા

ભારતની ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મહિલા ક્રિકેટર હેમલતા કાલા માને છે કે ઑસ્ટ્રેલિયા સામેની આગામી પિન્ક ટેસ્ટમાં ભારતની ટીનેજર ઓપનર શેફાલી વર્માની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ બની રહેશે. ૧૭ વર્ષની શેફાલીએ ઇંગ્લૅન્ડ સામેની તેની ડેબ્યુ ટેસ્ટ મૅચમાં કુલ ૧૫૯ (પહેલી ઇનિંગ્સમાં ૯૬ અને બીજીમાં ૬૩ રન) રન બનાવ્યા હતા અને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. હેમલતાએ કહ્યું હતું કે ‘શેફાલીનો આ ટેસ્ટમાં રોલ ખૂબ મહત્ત્વનો બની રહેશે. મને લાગે છે કે તેની રમતની સ્ટાઇલ જોતાં રેડ બૉલમાં મેળવેલી સફળતા તે પિન્ક ટેસ્ટમાં પણ મેળવશે.’

sports news sports cricket news